crime
આગોતરા જામીન સાથે હાજર થયેલા આરોપીનો પોલીસ સ્ટેશનમાં જ હોબાળો:પોલીસને ડોક્યુમેન્ટ આપવાનો ઈન્કાર કર્યો, કપડા ફાડી મીડિયાને બોલાવવાની ધમકી આપી
અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખામાં આગોતરા જામીન સાથે હાજર થવા આવેલા આરોપીએ ઓળખના પુરાવા આપવાની ના પાડીને ભારે હોબાળો કર્યો હતો. પોલીસ સામે જ આરોપીએ ઉશ્કેરાઈને પોતાના જ કપડાં ફાડી નાખ્યા હતા અને મીડિયાને બોલાવવાની ધમકી આપી જોરજોરથી બૂમાબૂમ કરી હતી.આ મામલે પોલીસની કામગીરીમાં રુકાવટ નાખવા બદલ પોલીસ ઇન્સ્પેક્ટરે આરોપી વિરુદ્ધ નવો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આગોતરા જામીન માટે જરુરી પુરાવા આપવાનો ઈન્કાર કર્યો EoWના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. સાટીયા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે કે, ગત 2 નવેમ્બરના રોજ અગાઉના એક ગુનાના આરોપી ઇન્દ્રકુમાર આત્મારામ અસવાની (રહે. કુબેરનગર, અમદાવાદ) સિટી એન્ડ સિવિલ કોર્ટમાંથી મળેલા આગોતરા જામીનના હુકમ સાથે હાજર થવા આવ્યા હતા.પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી અને ઓળખની ખરાઈ માટે તેમની પાસે આઈ. ડી. પ્રૂફ, ખરીદ કરેલ માલની વિગતો, બેંક સ્ટેટમેન્ટ અને ગુનાને લગતા અન્ય પુરાવા માંગવામાં આવ્યા હતા. જોકે, આરોપીએ દસ્તાવેજો આપવાની ના પાડી દીધી હતી અને ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું અને કહ્યું હતું કે તેમની પાસે માત્ર કોર્ટનો હુકમ છે, પોલીસે તેમને માત્ર હાજર ગણી લેવાના છે અને તેઓ અન્ય કોઈ કાગળો કે આઈ. ડી. પ્રૂફ રજૂ કરશે નહીં. પોલીસ સ્ટેશનમાં જ આરોપીએ હોબાળો મચાવ્યો પોલીસે જ્યારે તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આગોતરા જામીનના હુકમ આધારે આગળની કાર્યવાહી માટે ઓળખની ખરાઈ જરૂરી છે. ત્યારે સાંજે 7.30 વાગ્યાની આસપાસ આરોપી ઇન્દ્રકુમાર એકદમ ઉશ્કેરાઈ ગયા હતા.પોલીસે તેમની પૂછપરછ ન કરી શકે અને કોર્ટના હુકમ મુજબ થતી તપાસની કાર્યવાહીમાં અડચણ ઊભી થાય તેવા હેતુથી આરોપીએ પોતાની જાતે જ પોતાના કપડાં ફાડી નાખ્યા હતા. ત્યારબાદ, મીડિયા બોલાવીશું તેવી ધમકી આપીને જોરજોરથી બૂમાબૂમ કરવા લાગ્યા હતા. આમ, પોલીસને તેમની કાયદેસરની કાર્યવાહી કરતા રોકી, સરકારી કામકાજમાં ઇરાદાપૂર્વક રુકાવટ નાખવા બદલ આરોપી વિરુદ્ધ આ ગુનો નોંધવામાં આવ્યો છે.
Read full article on Divya Bhaskar