politics
સોનિયા ગાંધી દ્વારા રાષ્ટ્રગીતના કથિત અપમાન સામે વેરાવળમાં ભાજપનો વિરોધ:શહેર ભાજપ કાર્યાલયથી ટાવર ચોક સુધી સૂત્રોચ્ચાર સાથે રેલી યોજાઈ
વેરાવળ શહેર ભાજપ દ્વારા કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી દ્વારા રાષ્ટ્રગીત 'વંદે માતરમ્'ના કથિત અપમાનના આક્ષેપ સાથે આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેર ભાજપ પ્રમુખ શૈલેષ ભગવાનદાસ મેસવાણિયાની આગેવાની હેઠળ યોજાયેલી આ રેલીમાં ભાજપના પદાધિકારીઓ, નગરસેવકો અને મહિલા મોરચા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. આ રેલી વેરાવળ શહેર ભાજપ કાર્યાલયથી બેનરો અને સૂત્રોચ્ચાર સાથે પ્રસ્થાન થઈ હતી. કાર્યકરોએ 'વંદે માતરમ્'ના સન્માન અને રાષ્ટ્રભાવનાને કેન્દ્રમાં રાખી કોંગ્રેસ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. રેલી શહેર ભાજપ કાર્યાલયથી નીકળી પોસ્ટ ઓફિસ, કોળીવાળા વિસ્તાર થઈ ટાવર ચોક ખાતે પહોંચી હતી. રેલીમાં શહેર ભાજપ મહામંત્રી જયેશભાઈ પંડયા અને મૌલિક વૈયાટા, તાલુકા ભાજપ પ્રમુખ પ્રદ્યુમ્નસિંહ ડોડીયા, નગરપાલિકા પ્રમુખ નરેશ ગોહેલ સહિત ભાજપ સંગઠનના વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નગરસેવકો, શક્તિકેન્દ્ર સંયોજકો, બૂથ પ્રમુખો અને મહિલા મોરચાની બહેનો સહિત મોટી સંખ્યામાં કાર્યકરોએ ભાગ લીધો હતો. રેલી દરમિયાન કાર્યકરોએ હાથમાં બેનરો ધારણ કરી કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ખાસ કરીને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ નારેબાજી કરીને ભાજપ કાર્યકરોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. ટાવર ચોક ખાતે રેલી પૂર્ણ થયા બાદ પણ કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચાર ચાલુ રાખવામાં આવ્યા હતા. ભાજપના આગેવાનોએ જણાવ્યું હતું કે, 'વંદે માતરમ્' માત્ર એક ગીત નથી, પરંતુ દેશની રાષ્ટ્રભાવના અને સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે જોડાયેલી ભાવના છે. આવા રાષ્ટ્રીય પ્રતિકના અપમાનને ભાજપ કોઈપણ સંજોગોમાં સાંખી નહીં લે તેવી લાગણી કાર્યકરોએ વ્યક્ત કરી હતી. આ રેલી દરમિયાન સમગ્ર માર્ગ પર ભાજપના કાર્યકરોના સૂત્રોચ્ચારથી રાજકીય માહોલ ગરમાયો હતો. શહેર ભાજપ દ્વારા આયોજિત આ વિરોધ કાર્યક્રમમાં સંગઠનના વિવિધ સ્તરના હોદ્દેદારો અને કાર્યકરોની નોંધપાત્ર હાજરી જોવા મળી હતી.
Read full article on Divya Bhaskar