top
સુનામી:પુરુષ સો વાર પૂછે તો પાગલ પ્રેમી અને સ્ત્રી પૂછે તો લાચાર?
આપણે સ્ત્રીને બધું શીખવી દીધું છે, ભણેજ-કમાજે-પોતાનાં પગ પર ઊભી રહેજે-તારે શું જોઇએ છે એ ગળું ખંખેરીને સ્પષ્ટતાથી બોલજે-પણ જો સ્ત્રી ભૂલથી એને કોઇ પુરૂષ જોઇએ છે એવું સ્પષ્ટતાથી બોલી જાય તો આપણે એને સહન કરી શકતા નથી. હમણાં કોફી વિથ કરનમાં રશ્મિકા મંદાનાએ વિજય દેવરકોંડા સાથેનાં લગ્નની વાત કરી. એણે કહ્યું કે મેં લગ્ન માટે વિજયને 100 વાર પૂછ્યું, એણે હા પાડવા માટે એક વર્ષનો સમય માંગ્યો. રશ્મિકાએ આ વાત ખૂબ સહજ રીતે કરી. એ વિજય દેવરકોંડાનાં પ્રેમમાં હતી અને એટલે 100 વાર પૂછતી રહી, વિજયે સમય માગ્યો તો એણે એને સમય આપ્યો પણ ખરો....રશ્મિકાની આ વાત સાંભળી આખા દેશને એના સ્વમાનની ચિંતા થઇ ગઇ. ઘણાંએ રશ્મિકાને સલાહ આપી કે વિજયનું સો વાર પૂછાવવું-રાહ જોવડાવવી એ સંબંધનો રેડ ફ્લેગ છે. ઘણાંએ એવું પણ કહ્યું કે વિજય-તારી લાગણીઓ સાથે રમત રમી ગયો. પ્રેમ રશ્મિકાને થયો, રશ્મિકાએ પ્રપોઝ કર્યું-એક નહીં-સો વાર પ્રપોઝ કર્યું-વિજયે હા પાડી, બંનેએ લગ્ન કર્યા-આ આખી વાત માત્ર બે માણસો વચ્ચેની હતી-કોફી વિથ કરનમાં રશ્મિકાનાં આવા સ્ટેટમેન્ટ પછી આ બે માણસોની વચ્ચે દેશનાં કેટલાય લોકો-સોશિયલ મિડીયા આવીને ઊભું રહી ગયું. વિજયને 100 વાર લગ્ન માટે પૂછવાથી રશ્મિકાનું સ્વમાન ઘવાયું-એની ચિંતા કરનારાઓએ એમની વાતોથી રશ્મિકાનું સ્વમાન ઘવાયું કે નહીં એની ચિંતા તો કરી જ નહીં!!! મારી સાથે લગ્ન કરીશ? આ સવાલ પર માત્ર પુરૂષોનો જ ઇજારો છે? કોઇ સ્ત્રી જો આવો સવાલ પૂછે તો એ બિચારી બની જાય? એનું સ્વમાન વેચાય જાય? સ્ત્રી પુરૂષને પસંદ કરે એ ના ચાલે-પસંદ તો પુરૂષે જ સ્ત્રીને કરવી પડે-એ.આઇ.નાં જમાનામાં પણ આવું જ? પુરૂષ પ્રેમમાં પહેલ કરે તો એ એની હિંમત, સ્ત્રી પહેલ કરે તો એ સંસ્કાર ન કહેવાય-પુરૂષ લગ્ન માટે આતુર હોય તો એ કમિટેડ કહેવાય, જવાબદારી લેનારો કહેવાય-પણ જો સ્ત્રી લગ્ન માટે આતુર હોય તો એ ડેસ્પરેટ કહેવાય...આવું કેમ? સ્ત્રી કરે છે એ પ્રેમ અને પુરૂષ કરે છે એ પ્રેમ બંને જુદા છે? કોઇ એક સંબંધમાં સ્ત્રી જેટલું ઇન્વેસ્ટ કરે છે અને પુરૂષ જેટલું ઇન્વેસ્ટ કરે છે એ અલગ ત્રાજવે કેમ તોળાય છે? રશ્મિકાએ વિજયને પ્રપોઝ કર્યું એ રશ્મિકાની ઇચ્છા હતી. વિજયે પહેલીવાર જવાબ ના આપ્યો, બીજી વાર ના આપ્યો, નવ્વાણુમીવાર ના આપ્યો-એ એની ઇચ્છા હતી. કોઇ પહેલીવારમાં જ નક્કી કરી લે કે મારે લગ્ન કરવા છે અને કોઇ સોમી વારે નક્કી કરે કે મારે લગ્ન કરવા છે-આ બંને પરિસ્થિતિમાં ન તો પ્રેમ બદલાય છે અને ન તો કમિટમેન્ટ. વિચારીને લેવાયેલો લગ્નનો નિર્ણય એ રેડ ફ્લેગ નથી. આપણાં દેશમાં અતિથિને ઇશ્વરનો દરજ્જો અપાયો છે. ઘરે પધારેલા અતિથિની દેવ સમાન આગતા-સ્વાગતા કરવી એ આપણી સંસ્કૃતિ છે, આપણાં સંસ્કાર છે-બીજાનાં ઘરે જઇએ તો દેવ ગણાઇએ પણ બીજાનાં જીવનમાં ઘૂસીએ તો દાનવ ગણાઇએ. સ્ત્રી-સશક્તિકરણની વાતો કરતા આપણે-સ્ત્રીનાં અધિકારની વાતો કરતા આપણે સ્ત્રી પાસેથી એનાં સંબંધને સમજવાનો, એના સંબંધને પોતાની રીતે જીવવાનો, પોતાની રીતે ઉકેલવાનો અધિકાર જ લઇ લીધો...!! એણે પ્રપોઝ નહીં કરવાનું, લગ્ન માટે એકથી વધારે વાર નહીં પૂછવાનું-આવું નક્કી કરનારા આપણે કોણ? દરેક વ્યક્તિને પોતાનાં જીવનનો નિર્ણય લેવાનો અધિકાર છે-આપણે એવું નથી કહેતા કે અમે પુરૂષોને પોતાનો નિર્ણય પોતાની જાતે લેવાની આઝાદી આપી છે-પણ સ્ત્રી જ્યારે પોતાનો નિર્ણય પોતાની જાતે લે તો આપણે છાતી પહોળી કરી એવું કહીએ છીએ કે અમે તો એને આઝાદી આપી છે-કેમ? એ જ સ્ત્રી આપણને ગમે એવો નિર્ણય લે તો હિંમતવાન કહેવાય અને એ જ સ્ત્રી જ્યારે આપણને ના-ગમતો-આપણાં આદર્શો સાથે મેચ ના થતો નિર્ણય લે તો એને બચાવવા, એને સુધારવાની જરૂરિયાત ઊભી થઇ જાય? આપણે સ્વીકારીએ કે ના સ્વીકારીએ પણ આપણે દંભી છીએ. રશ્મિકાએ કહેલી વાત જો કોઇ પુરૂષે કહી હોત તો આપણે એને બિરદાવ્યો હોત-એની પ્રેમકથા સાંભળી હોત-પણ સ્ત્રી જ્યારે સામે ચાલીને લગ્નની વાત કરે ત્યારે આપણે ફૂટપટ્ટી લઇને એની સેલ્ફ રિક્વેસ્ટ માપવા બેસી જઇએ છીએ!!
Read full article on Divya Bhaskar