politics
મોરબીમાં ઓક્યુપેશનલ સેફ્ટી સેમિનાર યોજાયો:શ્રમ મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ ઉદ્યોગકારોને સલામતી અંગે માર્ગદર્શન આપ્યું
મોરબી જિલ્લા વહીવટી તંત્ર અને સિરામિક મેન્યુફેક્ચર્સ એસોસિએશનના સહયોગથી મોરબી સિરામિક એસોસિએશન હોલ ખાતે ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડીશન્સ કોડ, ૨૦૨૦ અંગે સેફ્ટી સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં ઔદ્યોગિક એકમોમાં કાર્યરત શ્રમિકો, ઉદ્યોગકારો તથા સંબંધિત સ્ટાફને કાર્યસ્થળે સલામતી, આરોગ્ય અને કલ્યાણની જોગવાઈઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શ્રમ-રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સેમિનારનું અધ્યક્ષસ્થાન સંભાળ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દરેક ક્ષેત્રના વિકાસ માટે હકારાત્મક વલણ ધરાવે છે. મોરબીના ઉદ્યોગકારોએ સૌને ગૌરવ અપાવ્યું છે અને ઉદ્યોગો થકી લાખો લોકોને રોજગારી મળી રહી છે. મંત્રી અમૃતિયાએ કારખાનાઓની આસપાસ પર્યાવરણની જાળવણી માટે વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા તેમજ શ્રમિકો અને સ્ટાફની કાર્યસ્થળે સલામતી માટે જરૂરી તકેદારી રાખવા અપીલ કરી હતી. કલેક્ટર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે મોરબી ઉદ્યોગોનો જિલ્લો હોવાથી ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અત્યંત જરૂરી છે. તેમણે ૧૯૮૪ની ભોપાલ ગેસ દુર્ઘટનાનું ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે તેની ગંભીર અસર આજે પણ નવી પેઢી પર જોવા મળે છે. તેથી ઔદ્યોગિક એકમોમાં તમામ પ્રકારની સલામતી વ્યવસ્થાનું કડક પાલન અનિવાર્ય છે. સેમિનારમાં નિષ્ણાત વક્તાઓ દ્વારા ઔદ્યોગિક કાર્યસ્થળે સલામતીના ધોરણોનું પાલન, સલામતી અંગે જાગૃતિ અને નવીન સલામતી પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ઔદ્યોગિક એકમોમાં સલામત કાર્યપરિસ્થિતિને પ્રોત્સાહન આપવા તથા ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડીશન્સ કોડ, ૨૦૨૦ અંગે ઉદ્યોગજગત અને કામદારોમાં જાગૃતિ વધારવાનો રહ્યો હતો. આ સેમિનારમાં ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગના નિયામક પી.એમ. શાહ, DISH રાજકોટ રીજીયનના સંયુક્ત નિયામક એચ.એસ. પટેલ, IIT દિલ્હીના આસિસ્ટન્ટ પ્રોફેસર સૂર્યનારાયણ વિક્રાંત કરા, મોરબીના નાયબ નિયામક જે.એસ. આદેશરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારમાં “સલામત કાર્યસ્થળ – સુરક્ષિત શ્રમિક – સમૃદ્ધ ઉદ્યોગ”નો સંદેશ આપવામાં આવ્યો હતો.
Read full article on Divya Bhaskar