crime
ગોધરામાં ટ્રેનની અડફેટે આવતાં શહેરાના મીઠાલીના યુવકનું મોત:રેલવે પોલીસે કંઇ રીતે અકસ્માત સર્જાયો તે દિશામાં તપાસ હાથ ધરી
ગોધરાના રેલવે ઓવર બ્રિજ નજીક શનિવારે ટ્રેનની ચપેટમાં આવી જતાં એક યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. ગોધરા શહેરના ભુરાવાવ રેલવે ઓવર બ્રિજ નજીક ડાઉન ટ્રેક પર શનિવારે એક અકસ્માત સર્જાયો હતો. અહીં ટ્રેનની ચપેટમાં આવી જતાં એક યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ રેલવે પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં મૃતક યુવકની ઓળખ મેળવવામાં સફળતા સાંપડી છે. મૃતક યુવક શહેરા તાલુકાના મીઠાલી ગામના 39 વર્ષીય અમિતકુમાર ઉદેસિંહ પરમાર હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, અમિતકુમાર પોતાના કોઈ અંગત કામ અર્થે ગોધરા આવ્યા હતા. દરમિયાન ભાગોળ બ્રિજ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક કોઈ કારણોસર પસાર થતી ટ્રેનની અડફેટે આવી ગયા હતા. આ અકસ્માતમાં તેમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તેમણે સ્થળ પર જ દમ તોડ્યો હતો. બનાવની જાણ થતાં જ રેલવે પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો. પીએમ સહિતની કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપાયો હતો. યુવક કયા સંજોગોમાં રેલવે ટ્રેક પર પહોંચ્યા અને અકસ્માત થયો તે દિશામાં રેલવે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar