lifestyle
સુરતમાં ‘પાટીદાર કા રાજા’ ગણેશ પંડાલમાં ભવ્ય લોકડાયરો:ગુજરાતી સિંગરે 'પટેલ વટ છે તમારો' ગીત લલકારતાં અલ્પેશ કથીરિયા પર રૂપિયાનો વરસાદ; હજારો ભક્તો ઉમટ્યા
સુરત શહેરમાં ગણેશોત્સવ દરમિયાન પાટીદાર યુવા સંગઠન દ્વારા આયોજિત 'પાટીદાર કા રાજા' ગણેશ પંડાલ ખાતે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. યોગીચોક સ્થિત KBC-4 ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ ડાયરામાં મોટી સંખ્યામાં શહેરીજનો અને ભક્તો ઉમટી પડ્યા હતા. લોકસાહિત્ય અને સંગીતની રમઝટ વચ્ચે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ પાટીદાર ગીતો અને તેના પર થયેલો રૂપિયાનો વરસાદ રહ્યો હતો. 'પટેલ વટ છે તમારો' ગીત ગુંજતાં જ માહોલ જામ્યો કાર્યક્રમમાં જાણીતા લોકગાયિકા અલ્પા પટેલે પોતાની આગવી શૈલીમાં ભક્તિ અને લોકગીતોની પ્રસ્તુતિ કરી હતી. તેમણે જ્યારે ‘પટેલ વટ છે તમારો...’ ગીત લલકાર્યું ત્યારે સમગ્ર પંડાલમાં જોશનો માહોલ સર્જાયો હતો. આ ગીત દરમિયાન પાટીદાર અગ્રણી અલ્પેશ કથીરિયાને ઊભા કરવામાં આવ્યા હતા અને ઉપસ્થિત ઉત્સાહી યુવાનો તથા લોકોએ તેમના પર રૂપિયાનો જોરદાર વરસાદ કર્યો હતો. આ સાથે જ મંચ પર ગાયિકા અલ્પા પટેલ પર પણ રોકડની છોળો ઉડાડી લોકોએ મોજ વ્યક્ત કરી હતી. કાઠિયાવાડી સંસ્કૃતિની થીમ આકર્ષણનું કેન્દ્ર 'પાટીદાર કા રાજા' ખાતે તૈયાર કરવામાં આવેલો ગણપતિ પંડાલ કાઠિયાવાડી ગ્રામીણ સંસ્કૃતિની થીમ પર આધારિત હોવાથી તે શરૂઆતથી જ સુરતીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. અહીં દૈનિક ધોરણે હજારો લોકો દર્શન માટે આવી રહ્યા છે. આ પંડાલમાં માત્ર સામાન્ય નાગરિકો જ નહીં, પરંતુ આરોગ્ય મંત્રી સહિત પાટીદાર સમાજના અનેક સામાજિક તથા રાજકીય અગ્રણીઓ પણ વિશેષ ઉપસ્થિત રહીને મહાઆરતીનો લાભ લઈ ચૂક્યા છે. મોડી રાત સુધી લોકડાયરાની રમઝટ ચાલી આ ભવ્ય સાંસ્કૃતિક રાત્રિમાં અલ્પા પટેલ ઉપરાંત અન્ય કલાકારોએ પણ પોતાના સૂર રેલાવીને કાર્યક્રમને ચારચાંદ લગાવ્યા હતા. મોડી રાત સુધી ચાલેલા આ ડાયરામાં હજારો લોકોએ શાંતિપૂર્ણ રીતે સંગીત અને ભક્તિભાવનો આનંદ માણ્યો હતો. સમગ્ર આયોજનને સફળ બનાવવા પાટીદાર યુવા સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.
Read full article on Divya Bhaskar