top
અજાણ્યા વાહનની ટક્કરે બહુચરાજીમાં પ્રોઢનું મોત:ચાલક અકસ્માત સર્જી ફરાર, પોલીસે તપાસ હાથ ધરી
મહેસાણા જિલ્લાના બહુચરાજી બસ સ્ટેન્ડ નજીક આવેલા આદિત્ય કોમ્પ્લેક્સ પાસે ગત રાત્રિના સમયે પૂરઝડપે આવી પહોંચેલા અજાણ્યા વાહને રસ્તા પર ઊભેલા પ્રોઢને જોરદાર ટક્કર મારતાં તેમનું કરૂણ મોત નીપજ્યું છે. અકસ્માત સર્જી વાહન ચાલક નાસી છૂટ્યો હતો. આ અંગે મૃતકના પુત્રે બહુચરાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. અજાણ્યા વાહને રમેશજી ઠાકોરને ટક્કર મારી હતી મૂળ પાટણના ચાણસ્મા તાલુકાના કંબોઈ ગામના વતની રમેશજી જુગાજી ઠાકોર, જેઓ છેલ્લા 5 વર્ષથી બહુચરાજી રેલવે કોલોની ખાતે બહેનના ઘરે રહી મજૂરી કામ કરતા હતા. ગત 7 સપ્ટેમ્બર 2026ના રોજ રાત્રે આશરે 8 વાગ્યાના સુમારે રમેશજી ઠાકોર આદિત્ય કોમ્પ્લેક્સ પાસે ઊભેલા હતા. તે દરમિયાન પુરઝડપે આવેલા અજાણ્યા વાહને તેમને ટક્કર મારી દીધી હતી. સ્થાનિકોએ 108 મારફતે ઈજાગ્રસ્ત રમેશજીને શંખલપુર સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં બહુચરાજી પોલીસ હોસ્પિટલ પહોંચી હતી અને પીએમ પ્રક્રિયા પૂર્ણ કરી મૃતદેહ વારસદારોને સોંપ્યો હતો. મૃતકના પુત્ર હિતેશજી ઠાકોરની ફરિયાદના આધારે બહુચરાજી પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા સીસીટીવી વગેરેના આધારે તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar