politics
જોબચાર્ટના વિવાદ:જિલ્લાના ખેડૂતો પીસાયા તલાટીના બહિષ્કારથી પેઢીનામા અટવાઈ ગયા
પંચાયત તલાટી કમ મંત્રીઓએ 3 જુલાઈથી મહેસૂલી કામગીરીનો બહિષ્કાર કરતાં તેની સીધી અસર હવે ખેડૂતો પર પડી રહી છે. રાધનપુર સહિત પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પેઢીનામા સહિત ની કામગીરી અટકી પડતાં જમીનમાં વારસાઈ નોંધથી માંડી બેંક લોન અને ખેતી સહાય મેળવવા સુધીનાં કામો અટવાયા છે. પેઢીનામું કરાવવા ખેડૂતો ગ્રામ પંચાયતોમાં ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ કામગીરી બંધ હોવાથી અરજીઓ પેન્ડિંગ પડી રહી છે. જિલ્લા તલાટી મંડળના પ્રમુખ સતિષભાઈ જાદવે જણાવ્યું કે, મહેસૂલ કૅડર અલગ થયાને 15 વર્ષ થવા આવ્યા છતાં પંચાયત તલાટી કમ મંત્રીઓની મહેસૂલી કામગીરી અંગેનો જોબ ચાર્ટ સરકાર દ્વારા હજુ સ્પષ્ટ કરાયો નથી. રાજ્યમાં આશરે 6 હજાર રેવન્યુ તલાટીઓ હોવા છતાં ગ્રામ્ય વિસ્તારમાં મહેસૂલી કામગીરીનો મોટો હિસ્સો પંચાયત તલાટીઓ પાસે જ કરાવવામાં આવે છે.આ મુદ્દે મંડળ દ્વારા 3 જુલાઈથી મહેસૂલી કામગીરીનો બહિષ્કાર કરાયો છે. પેઢીનામું ન મળે તો વારસાઈ નોંધ ન થાય જમીનમાં વારસાઈ કરાવવા માટે પેઢીનામું જરૂરી હોવાથી કામગીરી બંધ થતાં સૌથી વધુ અસર ખેડૂતોને થઈ રહી છે. પેઢીનામા ઉપરાંત રેશનકાર્ડ સંબંધિત સહિત ની વિવિધ કામગીરી અટકેલી છે. બેંક લોન કે અન્ય તાત્કાલિક કામો માટે કેટલાક કિસ્સામાં સોગંદનામાના આધારે કામ ચલાવવામાં આવી રહ્યું છે, પરંતુ ખેડૂતો માટે આ કાયમી ઉકેલ નથી. જોબ ચાર્ટ અંગે પરિપત્ર બહાર પાડવાની ચર્ચા કસબા વિસ્તારમાં મહેસૂલી કામગીરી રેવન્યુ તલાટી કરે છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં આ કામગીરી પંચાયત તલાટી કમ મંત્રી સંભાળે છે. પરિણામે ગ્રામ્ય ખેડૂતોને સૌથી વધુ અસર થઈ રહી છે. 15 ઓગસ્ટ પહેલાં જોબ ચાર્ટ અંગે પરિપત્ર બહાર પાડવાની ચર્ચા વચ્ચે હવે ખેડૂતોની નજર સરકારના નિર્ણય પર છે.
Read full article on Divya Bhaskar