top
પ્રાથમિક શાળામાં લાઈબ્રેરીથી મુક્ત થઈ મોબાઈલની લત:વધાવી પ્રાથમિક શાળાની 'જીવંત લાઈબ્રેરી' અને સંસ્કાર સિંચનથી વિદ્યાર્થીઓ મોબાઈલની ઘેલછા છોડી વાંચન તેમજ અભ્યાસ તરફ વળ્યા.
આજના આધુનિક સમયમાં બાળકોમાં મોબાઈલનો અતિશય વપરાશ એક મોટું દૂષણ બની ગયો છે. આ ગંભીર સમસ્યામાંથી બાળકોને બહાર લાવવા માટે વધાવી પ્રાથમિક શાળા દ્વારા એક ઉત્કૃષ્ટ અને નવતર પહેલ કરવામાં આવી છે. શાળા પરિવારના આ સરાહનીય પ્રયાસોથી બાળકો સ્ક્રિન ટાઈમથી દૂર થઈ પુસ્તકો અને અભ્યાસ પ્રત્યે આકર્ષાયા છે. શાળામાં બાળકો માટે એક 'જીવંત લાઈબ્રેરી' શરૂ કરવામાં આવી છે. શાળા સમય પહેલાં અડધો થી પોણો કલાક, શાળા દરમિયાન ફ્રી પિરિયડમાં અને શાળા છૂટ્યા પછી અડધો કલાક એમ ત્રણ અલગ અલગ સ્લોટમાં આ લાઈબ્રેરી બાળકો માટે ખુલ્લી રાખવામાં આવે છે. શરૂઆતમાં અહીં બે થી પાંચ બાળકો જ આવતા હતા, પરંતુ ધીમે ધીમે વાંચનમાં રસ જાગતા બાળકોની સંખ્યામાં મોટો વધારો થયો છે. કમ્પ્યુટર લેબમાં ત્રિભાષી ડિજિટલ લાઈબ્રેરી પણ ઉપલબ્ધ કરાવાઈ છે. આ ઉપરાંત, દર શનિવારે હનુમાન ચાલીસાનું પઠન, દરરોજ ભગવદ્ ગીતાનો એક શ્લોક કંઠસ્થ કરાવવો અને 'ભારત આપણું સંવિધાન' વિષય પર ખુલ્લી લાઈબ્રેરી જેવા પ્રયાસોથી બાળકોમાં સંસ્કાર અને જ્ઞાનનું સિંચન કરવામાં આવી રહ્યું છે. આ નવતર અભિયાન અંગે શાળામાં અભ્યાસ કરતા દેવ જોગલે જણાવ્યું હતું કે, હું પહેલાં સતત પાંચ-છ કલાક સુધી મોબાઈલ જોતો હતો અને તેને મૂકતો જ ન હતો. મને મોબાઈલની અતિશય લત લાગી ગઈ હતી, જેના કારણે મારા મમ્મી-પપ્પા પણ મારા પર ખૂબ ગુસ્સે થતા હતા. ત્યારબાદ મારા પપ્પાએ આ શાળામાં મારું એડમિશન કરાવ્યું. અહીં શિક્ષકો આપણને સારી રીતે વાંચતા-લખતા શીખવે છે અને સારા સંસ્કાર પણ આપે છે. શાળામાં આવ્યા પછી હું પ્રેરક, બોધક, દિવ્ય ભાસ્કર અને જનરલ નોલેજ જેવા અલગ અલગ પુસ્તકો નિયમિત વાંચવા લાગ્યો છું. આ શાળામાં આવ્યા બાદ મારા અક્ષર અને અભ્યાસમાં ખુબ જ સુધારો થયો છે, તેમજ શ્રેષ્ઠ પ્રદર્શન માટે મને કાર્ડ પણ મળેલ છે. અહીંથી મારી મોબાઈલ જોવાની લત સાવ છૂટી ગઈ છે. આઠમા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી નક્ષ ઝાલાએ જણાવ્યું હતું કે, પહેલા હું ખૂબ જ ફોન જોતો હતો અને મમ્મી-પપ્પા ખીજાય તો પણ ફોન મૂકતો ન હતો. મારા પપ્પાએ આ શાળામાં પ્રવેશ અપાવ્યા પછી મને લાઈબ્રેરી વિશે માહિતી મળી. શરૂઆતમાં મને ઓછું વાંચતા આવડતું હતું, પરંતુ શિક્ષકે ખૂબ જ પ્રેમથી મને વાંચતા શીખવ્યું. ત્યારબાદ હું ભૂગોળશાસ્ત્ર, ગણિત, પંચતંત્ર અને બોધક વાર્તાઓના પુસ્તકો વાંચવા લાગ્યો. કમ્પ્યુટર લેબની ડિજિટલ લાઈબ્રેરીમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી પુસ્તકો વાંચતા વાંચતા મારો મોબાઈલનો વપરાશ સાવ ઓછો થઈ ગયો છે, અને હવે મને બરાબર વાંચતા-લખતા આવડી ગયું છે. આ સમગ્ર પ્રોજેક્ટ વિશે માહિતી આપતા શાળાના સ્પેશિયલ એજ્યુકેટર ભાવિન ભાઈએ જણાવ્યું હતું કે, આજના સમયમાં મોબાઈલ બાળકો માટે સૌથી મોટું દૂષણ છે. બાળકોને આ દૂષણથી દૂર રાખવા શાળાના તમામ શિક્ષકોના સહયોગથી 'જીવંત લાઈબ્રેરી' ઊભી કરાઈ છે. દિવસ દરમિયાન ત્રણ સ્લોટમાં ચાલતી આ લાઈબ્રેરીમાં બાળકો ખૂબ ઉત્સાહથી આવે છે. શાળાની પ્રાર્થના સભામાં દર શનિવારે હનુમાન ચાલીસા અને રોજ ગીતાનો શ્લોક બોલાવી બાળકોને કંઠસ્થ કરાવાય છે. સાથે જ સંવિધાનના મુખ્ય મુદ્દાઓને ફ્રેમમાં કવર કરીને બનાવેલી ઓપન લાઈબ્રેરી દ્વારા બાળકોને દેશના બંધારણથી માહિતગાર કરવાનો ઉત્તમ પ્રયાસ કરાયો છે.
Read full article on Divya Bhaskar