top
જિલ્લા પોલીસવડાએ મેળાના આયોજકોને કડક સૂચનાઓ આપી:સાતમ-આઠમના લોકમેળામાં સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા તાકીદ
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલૂ (IPS) દ્વારા આગામી મેળાઓ દરમિયાન જાહેર જનતાની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે મેળાના આયોજકો સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં આયોજકોને સુરક્ષા અને સલામતીના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. પોલીસ વડાએ મેળામાં પૂરતા પ્રમાણમાં પ્રાઈવેટ સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવા અને ગુનાહિત ઇતિહાસ ધરાવતી વ્યક્તિને સિક્યુરિટી તરીકે ન રાખવા સ્પષ્ટ સૂચના આપી હતી. મેળાની અંદર તેમજ બહારના રસ્તાઓ પર હાઈ-ડેફિનેશન અને નાઈટ-વિઝન CCTV કેમેરા સતત કાર્યરત રાખવા અને ઓછામાં ઓછા 7 દિવસનું DVR રેકોર્ડિંગ સ્ટોરેજ ફરજિયાત કરવામાં આવ્યું છે. વધુમાં, ગુનાહિત ઇતિહાસ ધરાવતા કોઈપણ ઇસમનું સ્ટેજ પર સ્વાગત કે સન્માન નહીં કરવા જણાવાયું હતું. મેળામાં આવનારા લોકો માટે યોગ્ય પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવા અને શક્ય હોય ત્યાં સુધી નિઃશુલ્ક પાર્કિંગ રાખવા પણ સૂચના અપાઈ હતી. મેળામાં લગાવવામાં આવતી તમામ રાઈડ્સ માટે સરકારની નિયત SOP મુજબ પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત રહેશે. દરેક રાઈડ પાસે નિયત ભાવનું બોર્ડ સ્પષ્ટ રીતે પ્રદર્શિત કરવાનું રહેશે. વધુ ભીડના સમયે રાઈડના ભાવમાં કોઈપણ પ્રકારનો વધારો ન કરવા પણ કડક સૂચના આપવામાં આવી હતી. મેળાના સ્થળે ફાયર સેફ્ટીના જરૂરી સાધનો ઉપલબ્ધ રાખવા તેમજ ખાદ્યપદાર્થોની શુદ્ધતા અને ફૂડ સેફ્ટી અંગે યોગ્ય વ્યવસ્થા જાળવવા પણ સૂચના અપાઈ હતી. ભીડને નિયંત્રિત કરવા માટે એન્ટ્રી અને એક્ઝિટ ગેટ અલગ-અલગ રાખવા પણ જણાવાયું હતું. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલૂએ સ્પષ્ટ કર્યું હતું કે જનસુરક્ષા પોલીસ તંત્રની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. જો મેળાના આયોજકો દ્વારા ઉપરોક્ત નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે, તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
Read full article on Divya Bhaskar