top
ધરમપુરમાં દિવાસા પર્વે નાળિયેર ટપ્પા દાવની રમત રમાઈ:આદિવાસી સમાજે વર્ષો જૂની પરંપરા ઉત્સાહભેર જાળવી રાખી; મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
વલસાડ જિલ્લાના ધરમપુરમાં અષાઢી અમાસના દિવાસા પર્વ નિમિત્તે વર્ષો જૂની 'નાળિયેર ટપ્પા'ની પરંપરા જીવંત રહી છે. આદિવાસી સમાજના ભેરૂઓએ આ પરંપરાગત રમતમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આધુનિક યુગમાં પણ ધરમપુરનો આદિવાસી સમાજ પોતાની પ્રાચીન પરંપરા અને સંસ્કૃતિને જાળવી રહ્યો છે. આ રમતનું આયોજન ધરમપુરના સમડી ચોક સહિતના વિસ્તારોમાં કરવામાં આવ્યું હતું. આદિવાસી સમાજના આગેવાન ડૉ. હેમંત પટેલે જણાવ્યું હતું કે, દિવાસો આદિવાસી સમાજ માટે ઉત્સવનો દિવસ છે. વરસાદી માહોલમાં ખેતરોમાં રોપણી પૂર્ણ થયાના આનંદને વ્યક્ત કરવા માટે આ રમત રમાય છે. તેમણે ઉમેર્યું કે, નાળિયેરને પવિત્ર માનીને આ રમત આદિકાળથી ચાલી આવે છે. રમત શરૂ કરતા પહેલા ધરતી માતાને નાળિયેરનું પાણી અર્પણ કરવાની પરંપરા છે. રમત બાદ તૂટેલા નાળિયેરને પ્રસાદ તરીકે લોકોમાં વહેંચવામાં આવે છે. આ રમતમાં સમાજના વિવિધ વર્ગના લોકો ઉત્સાહપૂર્વક ભાગ લે છે, જે નવી પેઢીને પોતાની સંસ્કૃતિ અને વારસાનું ગૌરવ શીખવે છે. 'નાળિયેર ટપ્પા દાવ'ની રમતમાં બે ખેલાડીઓ સામસામે ભાગ લે છે. એક ખેલાડી પોતાના હાથમાં નાળિયેર પકડી રાખે છે, જ્યારે બીજો ખેલાડી પોતાના નાળિયેરથી તેના પર પ્રહાર કરે છે. જેનું નાળિયેર ફૂટી જાય તે સ્પર્ધક હારી જાય છે અને તેનું નાળિયેર વિજેતાને આપવામાં આવે છે. રમત દરમિયાન બંને પક્ષના સમર્થકો પોતાના ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા જોવા મળે છે. દિવાસાના પર્વે કેટલાક ગામોમાં ઢીંગલા-ઢીંગલીને શણગારી, આદિવાસી વાદ્યો અને લગ્નગીતો સાથે નદીમાં તરતા મૂકવાની પરંપરા પણ પ્રચલિત છે. ધરમપુરમાં આ ટપ્પા રમત રાજા-રજવાડાના સમયથી રમાતી હોવાનું મનાય છે. આ રમત માત્ર એક સ્પર્ધા નથી, પરંતુ પરસ્પર આત્મીયતા અને ભાઈચારાનું પ્રતીક છે, જેની ઉજવણી દર વર્ષે સ્વયંભૂ રીતે થાય છે.
Read full article on Divya Bhaskar