crime
વલસાડ, ડાંગ, નવસારીમાં પાંચ નવા બ્લડ સ્ટોરેજ સેન્ટર ખુલ્યા:અંતરિયાળ વિસ્તારોમાં દર્દીઓને સમયસર રક્ત મળ્યું, જીવ બચ્યા
વલસાડ, ડાંગ અને નવસારી જિલ્લાના અંતરિયાળ તેમજ આદિજાતિ વિસ્તારોમાં નવા પાંચ બ્લડ સ્ટોરેજ સેન્ટર શરૂ થતાં સ્થાનિકોને મોટી રાહત મળી છે. વલસાડ રક્તદાન કેન્દ્ર દ્વારા કાર્યરત કરાયેલા આ સેન્ટરો વાંસદા, ચીખલી, ધરમપુર, નાનાપોંઢા, કપરાડા, ઉમરગામ અને મહારાષ્ટ્રના સરહદી ગામડાઓની આદિવાસી વસ્તી માટે અત્યંત મદદરૂપ સાબિત થયા છે. આ સેન્ટરો શરૂ થતા પહેલા, લોકોને રક્ત મેળવવા માટે ૧૦૦ થી ૧૬૦ કિલોમીટર દૂર સુધી જવું પડતું હતું. આ લાંબા પ્રવાસમાં ૪ થી ૧૨ કલાક જેટલો કિંમતી સમય વેડફાતો હતો, જે ગંભીર દર્દીઓ માટે જોખમી બની શકતો હતો. વલસાડ રક્તદાન કેન્દ્રના કુલ ૧૪ બ્લડ સ્ટોરેજ સેન્ટર પૈકી છેલ્લા સાત મહિનામાં પાંચ નવા સેન્ટર ખોલવામાં આવ્યા છે. આમાં નવસારી જિલ્લામાં શ્રી હોસ્પિટલ અને કોટેજ હોસ્પિટલ, વાંસદા, તેમજ સ્પંદન હોસ્પિટલ, ચીખલીનો સમાવેશ થાય છે. વલસાડ જિલ્લામાં શ્રેયસ મેડિકેર જનસેવા હોસ્પિટલ, વાપી અને ચિરંજીવી હોસ્પિટલ, નાનાપોંઢા (કપરાડા) પણ નવા સેન્ટરોમાં સામેલ છે. આ સેન્ટરો શરૂ થવાથી ચીખલી વિસ્તારના દર્દીઓનો ૩૦ થી ૫૦ કિલોમીટરનો પ્રવાસ, વાંસદાના દર્દીઓનો આશરે ૭૦ કિલોમીટરનો પ્રવાસ અને ડાંગ જિલ્લાના દર્દીઓનો ૧૦૦ થી ૧૬૦ કિલોમીટરનો લાંબો પ્રવાસ ટળ્યો છે. હવે નજીકના બ્લડ સ્ટોરેજ સેન્ટરોમાં સરળતાથી રક્ત ઉપલબ્ધ થવાથી દર્દીના પરિવારનો કિંમતી સમય બચી રહ્યો છે અને દર્દીઓને સમયસર રક્ત મળી રહ્યું છે. વલસાડ રક્તદાન કેન્દ્રના માનદ મંત્રી ડો. વિશાલ મહેતાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના તમામ ધારાધોરણો મુજબ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ વલસાડ રક્તદાન કેન્દ્ર ત્રણેય જિલ્લામાં કુલ ૧૪ બ્લડ સ્ટોરેજ સેન્ટરોનું સફળ સંચાલન કરી રહ્યું છે. જાન્યુઆરીથી જુલાઈ ૨૦૨૬ દરમિયાન, કુલ ૧૭,૩૯૪ યુનિટ રક્તદાનમાંથી ૪,૩૭૨ યુનિટ (૨૫ ટકા) રક્ત અંતરિયાળ વિસ્તારના બ્લડ સ્ટોરેજ સેન્ટરો સુધી પહોંચાડવામાં આવ્યું છે. આ કામગીરીના પરિણામે ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોના હજારો દર્દીઓને સમયસર રક્ત મળી શક્યું છે.
Read full article on Divya Bhaskar