top
નળમાં પાણી નહીં પણ કચરો!:હોડી બંગલા ચાર રસ્તા પાસે નળમાંથી કચરાવાળું પાણી આવતાં જનઆક્રોશ, મહિલાઓનો કલેક્ટર કચેરીએ મોરચો
સુરત શહેરના હોડી બંગલા ચાર રસ્તા અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીમાં ગંદકી અને કચરાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર નળમાંથી દૂષિત અને દુર્ગંધયુક્ત પાણી આવવાના કારણે નાના બાળકો અને વૃદ્ધો સહિતના પરિવારજનોના આરોગ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે. આ ઉપરાંત વિસ્તારમાં કચરો ઉપાડવાની કામગીરી પણ અનિયમિત બનતાં ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે. સ્થળ તપાસ કે સફાઈ ન કરાતાં લોકોમાં ભારે રોષ સ્થાનિકોએ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને અવારનવાર મૌખિક તથા લેખિત રજૂઆતો કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. વહીવટી તંત્રની આ નિષ્ક્રિયતા અને અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કે સફાઈ ન કરાતાં લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. પાલિકા દ્વારા યોગ્ય પ્રતિસાદ ન મળતાં આખરે વિસ્તારની મહિલાઓએ એકત્ર થઈને સીધા સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોરચો માંડ્યો હતો અને આવેદનપત્ર પાઠવી સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કરી હતી. લોકો દ્વારા ઉગ્ર આંદોલન છેડવામાં આવશે મહિલાઓએ આવેદનપત્ર આપીને વિસ્તારમાં તાત્કાલિક શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા અને નિયમિત સફાઈ કામગીરી શરૂ કરવાની માંગ કરી છે. સ્થાનિક રહીશોએ ચીમકી ઉચ્ચારી છે કે જો યુદ્ધના ધોરણે પાઈપલાઈનનું સમારકામ કરી દૂષિત પાણી અને ગંદકીની સમસ્યાનો કાયમી ઉકેલ નહીં લાવવામાં આવે, તો આગામી દિવસોમાં સમગ્ર વિસ્તારના લોકો દ્વારા વધુ ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.
Read full article on Divya Bhaskar