politics
નર્મદામાં 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ' ઉજવાયો:રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં વિભાજન દરમિયાન જીવ ગુમાવનાર નાગરિકોને શ્રદ્ધાંજલિ અપાઈ
રાજપીપળાની અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલના સંસ્કાર હોલ ખાતે 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દેશના વિભાજન સમયે થયેલી ઘટનાઓ અને લાખો પરિવારોએ ભોગવેલી મુશ્કેલીઓને યાદ કરવા માટે યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ 2021થી આ દિવસ મનાવવામાં આવે છે, જેથી નવી પેઢી આ ઐતિહાસિક ઘટનાથી પરિચિત થાય. કાર્યક્રમમાં ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યમંત્રી તથા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ અંજનાબેન વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ હાજર રહ્યા હતા. ઉપસ્થિત સૌએ બે મિનિટનું મૌન પાળી દેશના વિભાજન દરમિયાન જીવ ગુમાવનાર નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, દેશના વિભાજનની ઘટના અને તેના પરિણામે લાખો પરિવારોને ભોગવવી પડેલી મુશ્કેલીઓથી નવી પેઢી પરિચિત થાય તે હેતુથી આ દિવસ ઉજવાય છે. મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ભારતની આઝાદી માટે અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓએ બલિદાન આપ્યા છે. પરંતુ દેશના વિભાજન સમયે અનેક પરિવારો વિખૂટા પડ્યા હતા અને તેમને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આવા તમામ પરિવારોને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવી એ આપણી નૈતિક ફરજ છે. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ગંગાસિંઘ, જિલ્લા વિકાસ અધિકારી આર.વી. વાળા, પૂર્વ મંત્રી મોતીભાઈ વસાવા, તિલકવાડા તાલુકા પંચાયત પ્રમુખ મમતાબેન, નાંદોદ પ્રાંત અધિકારી પરસનજીત કૌર સહિત જિલ્લાના સંબંધિત અધિકારીઓ, અગ્રણીઓ અને નાગરિકો પણ હાજર રહ્યા હતા.
Read full article on Divya Bhaskar