top
નવસારી LCBએ ₹8.04 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો:આઇશર ટેમ્પો સહિત ₹18.29 લાખનો મુદ્દામાલ જપ્ત, 2ની ધરપકડ
નવસારી LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) પોલીસે ગણદેવી તાલુકાના ગણદેવા ગામ નજીક એક્સપ્રેસ-વે ટોલનાકા પાસેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. અમદાવાદ તરફ લઈ જવાઈ રહેલો ₹8.04 લાખની કિંમતનો દારૂ અને આઇશર ટેમ્પો સહિત કુલ ₹18.29 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે અમદાવાદના બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. નવસારી એલ.સી.બી. પોલીસ હાઈવે પર દારૂની હેરાફેરી રોકવા માટે સઘન પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. જાડેજાના નેતૃત્વ હેઠળના સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે એક્સપ્રેસ-વે પરથી દારૂ ભરેલો એક આઇશર ટેમ્પો પસાર થવાનો છે. આ બાતમીના આધારે ગણદેવા એક્સપ્રેસ-વે ટોલનાકાથી આશરે 100 મીટર પહેલાં નાકાબંધી ગોઠવવામાં આવી હતી. શંકાસ્પદ આઇશર ટેમ્પો (નંબર GJ 01 MT 1375) ને રોકાવી તલાશી લેતા તેમાંથી પાસ-પરમિટ વગરનો વિદેશી દારૂ, વોડકા, વ્હીસ્કી અને બીયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે ટેમ્પો ચાલક જાવીદશા જાકીરશા યુસુફશા ફકીર (ઉંમર: 28, રહે: બહેરામપુરા, અમદાવાદ) અને ટેમ્પો ક્લીનર બાબીશાહબાઝ સકિલ દિલાવર ખાન (ઉંમર: 26, રહે: નારોલ, અમદાવાદ; મૂળ: કપડવંજ, ખેડા) ની ધરપકડ કરી છે. આ કેસમાં દારૂ સેલવાસથી ભરાવી અમદાવાદના ઓઢવ ખાતે મંગાવનાર અમદાવાદના આમીન ઉર્ફે મુંડી મન્સૂરી અને કમલેશને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આઇશર ટેમ્પોના માલિક તેમજ તપાસમાં સામે આવનાર અન્ય તમામ સંડોવાયેલા આરોપીઓને પકડવા માટે કાર્યવાહી ચાલી રહી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં કુલ 2,436 બોટલ/નંગ વિદેશી દારૂ, વ્હીસ્કી, વોડકા અને ટીન બીયરનો સમાવેશ થાય છે, જેની કિંમત ₹8,04,240 છે. આ ઉપરાંત, ₹10,00,000 ની કિંમતનો આઇશર 11-10 ટેમ્પો , ₹5,000 રોકડા અને ₹20,000 ની કિંમતના બે મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. આમ, કુલ ₹18,29,240 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે ગણદેવી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં LCB PI વી.જે. જાડેજા, PSI વાય.જી. ગઢવી, PSI એમ.બી. ગામીત, હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ નારાયણસિંહ, હેડ કોન્સ્ટેબલ બ્રિજેશકુમાર સતીષચંદ્ર, પોલીસ કોન્સ્ટેબલ તાહીરઅલી શાહબુદ્દીન તથા કિરણભાઈ ભગુભાઈ સહિતની ટીમે ભાગ લીધો હતો.
Read full article on Divya Bhaskar