top
નવસારીમાં 'નમો કમલમ'ના લોકાર્પણ પૂર્વે સેવા-સ્વચ્છતા અભિયાન:389 ગામોમાં સફાઈ, 3800 બાળકો-TB દર્દીઓને પોષણ કિટ વિતરણ
નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવનિર્મિત કાર્યાલય 'નમો કમલમ'નું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થવા જઈ રહ્યું છે. આ કાર્યક્રમ પૂર્વે સમગ્ર નવસારી જિલ્લામાં સેવા અને સ્વચ્છતા મહાઅભિયાન શરૂ કરાયું છે. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ આ પ્રવૃત્તિઓ તેજ બની છે. આ અભિયાનના ભાગરૂપે, ચીખલી ખાતેથી જિલ્લાના તમામ 389 ગામોમાં માઇક્રો પ્લાનિંગ આધારિત સઘન સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે લીલી ઝંડી આપીને આ સફાઈ અભિયાનને શરૂ કરાવ્યું હતું. સ્વચ્છતા અભિયાન બાદ નવસારીના બી.આર. ફાર્મ ખાતે એક વિશેષ સેવા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં મંત્રી સી.આર. પાટીલ, કનુ દેસાઈ, નરેશ પટેલ અને વલસાડના સાંસદ ધવલ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના 3800 કુપોષિત બાળકો માટે આંગણવાડી કાર્યકરો મારફતે 'સુપોષિત કિટ'નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, જિલ્લાના ટીબી (TB)ના દર્દીઓને પણ સ્વાસ્થ્ય સુધારણા હેતુ પોષણ કિટ અર્પણ કરવામાં આવી હતી. ગ્રામ્ય સ્તરની સાથે નવસારી શહેરમાં પણ વ્યાપક સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી દર્શાવીને શહેરી સફાઈ મહાઅભિયાનનો વિધિવત પ્રારંભ કરાયો હતો. આગામી દિવસોમાં યોજાનારા 'નમો કમલમ'ના લોકાર્પણને લઈ સમગ્ર જિલ્લામાં કાર્યકરો અને નાગરિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Read full article on Divya Bhaskar