crime
નવસારીની સિલ્વર પાલમ સોસા.માં હિસાબ મામલે હોબાળો:₹1.25 કરોડના હિસાબ અને લિફ્ટ લાયસન્સ પર સવાલ; સુરતના બિલ્ડર મિટિંગ અધવચ્ચે મૂકી રવાના થતા લોકોમાં રોષ
નવસારીના છાપરા રોડ પર આવેલી સિલ્વર પાલ્મ સોસાયટીમાં રહીશો અને બિલ્ડર વચ્ચે મેઈન્ટેનન્સના હિસાબ અને લિફ્ટના લાયસન્સ મુદ્દે ઉગ્ર વિવાદ સર્જાયો છે. રહીશોએ બિલ્ડર પાસેથી અંદાજે ₹1.25 કરોડના હિસાબની માંગણી કરી છે, જ્યારે બિલ્ડર પક્ષે ₹8 લાખનું બેલેન્સ માઇનસમાં હોવાનો દાવો કર્યો છે. આ મામલે યોજાયેલી બેઠકમાં ભારે બોલાચાલી થઈ હતી. સોસાયટીના રહીશોએ બિલ્ડર અને તેમના ભાગીદારો પાસેથી અત્યાર સુધી વસૂલવામાં આવેલા મેઈન્ટેનન્સ અને અન્ય ફંડના વિગતવાર હિસાબની માંગ કરી હતી. આ રકમ અંદાજે ₹1.25 કરોડ હોવાનું જણાવાયું છે. હિસાબ અંગેની ચર્ચા દરમિયાન વાતાવરણ તંગ બન્યું હતું અને રહીશોએ નાણાંનો પારદર્શક હિસાબ આપવા પર ભાર મૂક્યો હતો. વિવાદ વધતા બિલ્ડર પક્ષ બેઠક અધવચ્ચે છોડીને રવાના થઈ ગયો હતો. મેઈન્ટેનન્સના હિસાબ ઉપરાંત, સોસાયટીની લિફ્ટના લાયસન્સ અને તેની સુરક્ષાનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો છે. રહીશોએ ડી-વિંગની લિફ્ટના જૂના દસ્તાવેજો રજૂ કરીને આરોપ લગાવ્યો છે કે વર્ષ 2018 પછી બિલ્ડર પક્ષ દ્વારા લિફ્ટના રિન્યુઅલ કે કાયદેસરના વાર્ષિક લાયસન્સ મેળવવામાં બેદરકારી દાખવવામાં આવી છે. શનિવારે રાત્રે યોજાયેલી બેઠકમાં આ ગંભીર સુરક્ષા મુદ્દે પણ બિલ્ડરને સવાલો પૂછવામાં આવ્યા હતા. નવસારીના છાપરા રોડ પર આવેલી સિલ્વર પાલ્મ સોસાયટીના રહીશો તેમજ ગોપીનાથ ડેવલોપર્સના ભાગીદારો અને રહીશો વચ્ચે મેઈન્ટેનન્સ અને નાણાંકીય હિસાબોની સ્પષ્ટતાને લઈને તીવ્ર વિવાદ સર્જાયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. રહીશો અને બિલ્ડર પક્ષ વચ્ચે યોજાયેલી બેઠકમાં ઉગ્ર બોલાચાલી થતા વાતાવરણ ગરમાયું હતું. રહીશોએ રૂ. 1.25 કરોડનો હિસાબ માંગ્યો સોસાયટીના રહીશો દ્વારા બિલ્ડર પક્ષ પાસે અત્યાર સુધી વસૂલવામાં આવેલા મેઈન્ટેનન્સ તથા અન્ય ફંડ બાબતે અંદાજે રૂ. 1.25 કરોડ (સવા કરોડ) જેટલી મોટી રકમનો વિગતવાર હિસાબ માંગવામાં આવ્યો હતો. આ હિસાબ અંગે શરૂ થયેલી ચર્ચા દરમિયાન વાતાવરણ ઉગ્ર બન્યું હતું. રહીશોએ મેઈન્ટેનન્સના નાણાંનો પારદર્શક હિસાબ આપવા માટે આગ્રહ રાખ્યો હતો. વિવાદ વધુ ઉગ્ર બનતા અંતે બિલ્ડર પક્ષ મિટિંગ અધવચ્ચે છોડીને સ્થળ પરથી રવાના થઈ ગયા હતા. વર્ષ 2018થી લિફ્ટનું લાયસન્સ રિન્યુ ન થયાનો આરોપ સિલ્વર પાલ્મ સોસાયટીના વિવાદમાં મેઈન્ટેનન્સ ઉપરાંત લિફ્ટના લાયસન્સ અને તેની સુરક્ષાનો મુદ્દો પણ બહાર આવ્યો છે. સોસાયટીના ડી વિંગની લિફ્ટના જૂના દસ્તાવેજો સામે આવ્યા બાદ રહીશોએ સવાલો ઉઠાવ્યા છે કે વર્ષ 2018 પછી બિલ્ડર પક્ષ દ્વારા લિફ્ટના રિન્યુઅલ કે કાયદેસરના વાર્ષિક લાયસન્સ મેળવવામાં બેદરકારી દાખવવામાં આવી છે. શનિવારે રાત્રે યોજાયેલી બેઠકમાં આ ગંભીર સુરક્ષા મુદ્દે પણ રહીશોએ બિલ્ડરને આડે હાથ લીધા હતા. બિલ્ડર મહેશ સાંગાણીએ આપી સફાઈ આ સમગ્ર મામલે સોસાયટીના બિલ્ડર મહેશ સાંગાણીએ પોતાનો પક્ષ મૂકતા જણાવ્યું હતું કે, અમે જ્યારે સોસાયટીમાં હિસાબ આપવા માટે ગયા ત્યારે સભ્યોએ પૈસા પાછા માંગવાની વાત શરૂ કરી હતી. આ પૈસા સોસાયટી ચલાવવા માટે લેવામાં આવ્યા હતા, વ્યાજે કે ડિપોઝિટ તરીકે લેવાયા નહોતા અને તેની કોઈ ડિપોઝિટ રસીદ પણ આપવામાં આવી નથી. તેમણે વધુમાં સ્પષ્ટતા કરી કે સોસાયટીની આજીવન સભ્યપદની વાત અલગ છે, પરંતુ મેઈન્ટેનન્સનું બેલેન્સ પૂરું થાય એટલે સભ્યોએ ફરીથી ફંડ આપવું જ પડે. શરૂઆતમાં બેંકમાં એફડી મૂકવાની વાત થઈ હતી, પરંતુ ચેક અને અન્ય ટેકનિકલ બાબતોને કારણે નક્કી થયું હતું કે સોસાયટી પોતે ચલાવો અને બેંકના 6 ટકાના બદલે 8 ટકા વ્યાજ અમે સોસાયટીમાં ઉમેરીશું. સાત લિફ્ટ અને અન્ય સુવિધાઓના ખર્ચથી બેલેન્સ માઇનસ બિલ્ડરના જણાવ્યા અનુસાર, સોસાયટીમાં સાત લિફ્ટ, પાણીના બોર, સફાઈ, સ્ટ્રીટ લાઈટ્સ, દિવસ-રાતના વોચમેન અને ક્લબ હાઉસ વગેરેનો મહિને દોઢથી બે લાખ રૂપિયાનો ખર્ચ આવતો હતો. 8 ટકા વ્યાજ ઉમેરવા છતાં દર વર્ષે ખર્ચ સામે બેલેન્સ ઘટતું ગયું હતું. ત્રણ-ચાર વર્ષ પહેલાં જ સોસાયટીનું 50થી 60 ટકા બેલેન્સ પૂરું થઈ જતાં રહીશોને હેન્ડઓવર લેવા જણાવાયું હતું, પરંતુ સોસાયટી રજિસ્ટ્રેશન અને પ્રમુખ બનાવવાની બાબતે સભ્યો વચ્ચે જ આંતરિક મતભેદો રહ્યા હતા. બિલ્ડરે ઉમેર્યું કે હાલમાં સોસાયટીનું બેલેન્સ આશરે રૂ. 8 લાખ માઇનસમાં છે. આઠ વર્ષ પહેલા દર મહિને રૂ. 500 મેઈન્ટેનન્સ નક્કી કરાયું હતું ત્યારે પણ વિરોધ થયો હતો. રહીશો સોસાયટીનું હેન્ડઓવર લેતા નથી અને પૈસા પણ આપતા નથી. હિસાબના તમામ પુરાવા અને કાગળો ઉપલબ્ધ છે અને તે રજૂ કરવા બિલ્ડર પક્ષ તૈયાર છે. શું કહે છે સોસાયટીના રહીશો હજુ સુધી સોસાયટી કાગળ ઉપર બની ન હોવાથી પ્રમુખ કે ઉપપ્રમુખ સહિતની કમિટીની રચના થઈ નથી. જેથી સોસાયટીના સભ્યો સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, અમને બિલ્ડર દ્વારા મેન્ટેનન્સની લીધેલી પૂરેપૂરી રકમ પર જ જોઈએ છે જે માટે અમે તેમને મિટિંગમાં બોલાવ્યા હતા. પરંતુ તે મિટિંગમાં કોઈ નક્કર ઉકેલ મળ્યો નથી, આગામી સમયમાં આ મામલાનું ઉકેલ આવે એવી અમારી માગ છે. કોણ કોણ છે ગોપીનાથ ડેવલોપર્સના ભાગીદારો? શૈલેષભાઈ અમૃતભાઈ પીપળવા, મહેશ સાંગાણી, દિનેશ લાખાણી, ભરત હિરપરા, મહેશ બુહા, રશ્મિન પીપળવા
Read full article on Divya Bhaskar