top
ઓછું તોલનારા અને ભેળસેળિયા વેપારીઓ સામે કડક કાર્યવાહી:વલસાડના MLA ભરત પટેલના પ્રશ્ને ગૃહમાં મંત્રીનો જવાબ; 241 સામે ગુનો, ₹2.5 લાખ દંડ વસૂલાયો
ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગ અંતર્ગત તોલમાપ સાધનોના ચેકિંગ તેમજ રીન્યુઅલ મુદ્દે મહત્વપૂર્ણ પ્રશ્ન રજૂ કર્યો હતો. તેમણે વેપારીઓ, દુકાનદારો અને પેટ્રોલિયમ યુનિટ્સ દ્વારા દર વર્ષે થતી તોલમાપ સાધનોની ચકાસણીમાં દાખવવામાં આવતી બેદરકારી અંગે ગૃહનું ધ્યાન દોર્યું હતું. 241 વેપારીઓ સામે કાર્યવાહી કરી ₹2.50 લાખનો દંડ વસૂલાયો ધારાસભ્યના પ્રશ્નના પ્રત્યુત્તરમાં રાજ્ય સરકારના મંત્રી રમણભાઈ સોલંકીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, વર્ષ 2024-25 દરમિયાન વલસાડ જિલ્લામાં તોલમાપના સાધનોનું રીન્યુઅલ ન કરાવનાર અને વેપારમાં ગેરરીતિ આચરનાર 241 વેપારીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે જ દોષિત ઠરેલા વેપારીઓ પાસેથી કુલ ₹2.50 લાખથી વધુની રકમ દંડ સ્વરૂપે વસૂલ કરવામાં આવી છે. ગ્રાહક હિત માટે સરકાર સક્રિય: નિયમભંગ પર સીલ અને લાઈસન્સ રદ થશે ગ્રાહકો સાથે થતી છેતરપિંડી અટકાવવા સરકાર પૂરી રીતે સક્રિય છે. પેટ્રોલમાં ઓછું માપ આપવું, ખાદ્યતેલમાં ઓછું વજન આપવું, ઓછા વજને સામાન વેચવો કે ડુપ્લિકેટ પ્રોડક્ટ્સનું વેચાણ કરવું જેવી તમામ બાબતો પર તંત્રની કડક નજર છે. મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે આગામી દિવસોમાં તોલમાપ રીન્યુ ન કરાવનાર વેપારીઓના લાઈસન્સ રદ કરાશે તેમજ ઓછું ઈંધણ આપતા પેટ્રોલ પંપોને સીલ કરવાની કામગીરી કરાશે. ભેળસેળ કરનારાઓ સામે ઝીરો ટોલરન્સ નીતિ અનાજ કે અન્ય ખાદ્યસામગ્રીમાં ભેળસેળ કરીને નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા તત્વો સામે સરકાર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહી છે. આ પ્રકારની અપ્રમાણિકતા આચરનારાઓ સામે કાયદાકીય જોગવાઈઓ મુજબ સખતમાં સખત પગલાં લેવામાં આવશે.
Read full article on Divya Bhaskar