crime
દિલ્હી PG દુર્ઘટના- કિરણ બેદી હાઇકોર્ટ પહોંચ્યાં, કેન્દ્રએ વિરોધ કર્યો:કોર્ટે કહ્યું- બેદીને વહીવટનો અનુભવ, 11 દિવસ પહેલાં 5 માળનું હોસ્ટેલ ધરાશાયી થયું હતું
પુડુચેરીના પૂર્વ ઉપરાજ્યપાલ અને નિવૃત્ત IPS અધિકારી કિરણ બેદી ગુરુવારે દિલ્હી હાઈકોર્ટમાં હાજર થયાં. તેમણે સત્ય નિકેતનમાં હોસ્ટેલની ઈમારત ધરાશાયી થવા સાથે જોડાયેલા કેસમાં પોતાને પક્ષકાર બનાવવાની માગ કરી. કેન્દ્ર સરકાર, દિલ્હી સરકાર અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) તરફથી એડિશનલ સોલિસિટર જનરલ ચેતન શર્માએ બેદીની અરજીનો વિરોધ કર્યો. તેમણે જવાબ દાખલ કરવા માટે સમય માંગ્યો. ચીફ જસ્ટિસ ડીકે ઉપાધ્યાય અને જસ્ટિસ તેજસ કરિયાની બેન્ચે કહ્યું કે બેદી દેશના જવાબદાર નાગરિક છે અને તેમને વહીવટનો અનુભવ છે. સત્ય નિકેતનમાં દિલ્હી યુનિવર્સિટીના સાઉથ કેમ્પસ પાસે છોકરાઓ માટે પાંચ માળનું પેઇંગ-ગેસ્ટ હોસ્ટેલ હતું. 6 સપ્ટેમ્બરે સમારકામ દરમિયાન આ ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી. કાટમાળ નીચે દબાઈ જવાથી 7 લોકોનાં મોત થયાં હતાં. અનેક લોકો ઘાયલ પણ થયા હતા. સત્ય નિકેતનનો કાટમાળ હટાવ્યા બાદની 2 તસવીરો... બેદીની અરજી પર જવાબ આપવા માટે 3 દિવસ મળ્યા કોર્ટે કહ્યું કે પુડુચેરીનાં પૂર્વ ઉપરાજ્યપાલ રહેલાં કિરણ બેદી આ મામલે કોર્ટને મદદ કરવા માંગે છે. તેમના લાંબા વહીવટી અનુભવનો ઉપયોગ કરી શકાય છે. કોર્ટે અધિકારીઓને આ મામલાને ટકરાવ તરીકે ન જોવાનું કહ્યું. અદાલતે બેદીની અરજી પર જવાબ આપવા માટે અધિકારીઓને 3 દિવસનો સમય આપ્યો. મામલાની આગામી સુનાવણી 25 સપ્ટેમ્બરે થશે. એડિશનલ સોલિસિટર જનરલ ચેતન શર્માએ કહ્યું કે તેઓ કિરણ બેદીનું ખૂબ સન્માન કરે છે, પરંતુ તેમની અરજી પરથી લાગે છે કે તેઓ આ મામલે પહેલેથી જ નિષ્કર્ષ પર પહોંચી રહ્યાં છે. તેમણે કહ્યું કે સંબંધિત અધિકારીઓએ હજુ સુધી પોતાનો સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો નથી. 7 સપ્ટેમ્બરે કહ્યું હતું- સરકાર જવાબદારીથી બચી શકતી નથી હાઈકોર્ટે 7 સપ્ટેમ્બરે ઘટનાની ઉચ્ચસ્તરીય MCD તપાસનો આદેશ આપ્યો હતો. કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે સરકાર પોતાની જવાબદારીથી બચી શકતી નથી. કોર્ટે કહ્યું હતું કે આ ઘટના માત્ર દુર્ભાગ્યપૂર્ણ નથી. તેનાથી હોસ્ટેલ સહિત વિદ્યાર્થીઓ માટેની પૂરતી આવાસ સુવિધાઓ અંગે ગંભીર ચિંતા ઊભી થઈ છે. અદાલતે દિલ્હી યુનિવર્સિટી અને સરકાર દ્વારા ચલાવવામાં આવતા હોસ્ટેલોની સ્થિતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. ઉપરાંત, વિદ્યાર્થીઓની સુરક્ષા અને પેઇંગ-ગેસ્ટ સુવિધાઓને નિયંત્રિત કરવા માટે MCD અને અન્ય અધિકારીઓ દ્વારા લેવામાં આવેલા અપૂરતા પગલાં પર સવાલ ઉઠાવ્યા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓમાં PG માલિક, સંચાલક અને લેબર કોન્ટ્રાક્ટર દિલ્હી પોલીસે PG દુર્ઘટનાના કેસમાં બિલ્ડિંગ માલિક હરિરામ બંસલ, તેમની પત્ની ઉર્મિલા, પુત્ર મહેશ, લેબર કોન્ટ્રાક્ટર સનોજ અને સુધાંશુ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. કોન્ટ્રાક્ટરે કહ્યું- દુર્ઘટનાના 10 દિવસ પહેલાં રિનોવેશન માટે રાખ્યો હતો પૂછપરછ દરમિયાન કોન્ટ્રાક્ટર સનોજે જણાવ્યું કે મહેશ ગુપ્તાએ તેને 10 દિવસ પહેલાં રિનોવેશન માટે રાખ્યો હતો. તેને દરરોજ 2800 રૂપિયા મળતા હતા. કામ બેઝમેન્ટને ગ્રાઉન્ડ ફ્લોરના સમકક્ષ લેવલ પર લાવવાનું હતું, જેના માટે બેઝમેન્ટમાં આશરે 3 ટ્રક કાટમાળ ભરવામાં આવ્યો હતો. ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનની જગ્યામાં એક દીવાલ અવરોધ બની રહી હતી. દુર્ઘટનાના દિવસે જગ્યા બનાવવા માટે તે દીવાલ હટાવવામાં આવી હતી. દીવાલ હટાવતા જ નબળી ઇમારત ભાર સહન કરી શકી નહીં અને ધરાશાયી થઈ ગઈ.
Read full article on Divya Bhaskar