top
ફોન ન આપતા મિત્રએ મિત્ર પર હુમલો કર્યો:ઘોઘા તાલુકાના વાળુકડ ગામે સામાન્ય બોલાચાલી બાદ યુવક પર હુમલો કરી મોબાઈલ લૂંટી લેનાર સામે ફરિયાદ નોંધાઈ
ઘોઘા તાલુકાના વાળુકડ ગામે ફોન આપવા બાબતે થયેલી બોલાચાલીમાં મિત્રએ જ યુવક પર લાકડાના ધોકા વડે હુમલો કરી, જાતિ પ્રત્યે અપશબ્દો બોલી રૂપિયા 10 હજાર ની કિંમતનો મોબાઈલ ફોન લૂંટી લીધા હતો, આ અંગે ભોગ બનનાર યુવકે વરતેજ પોલીસ મથકે આરોપી વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગે વરતેજ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર વાળુકડ ગામે રહેતા અને સેન્ટિંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા નરેશ દુદાભાઈ પરમાર ઉ.વ.37 ગત તા.11/8/26 ના સવારના સુમારે પોતાના ઘરેથી જૂના પાદર ગામે મજૂરીકામે જઈ રહ્યા હતા, તે દરમિયાન ગામમાં આવેલા મેલડીમાંના મંદિર પાસે તેમના જ ગામનો મિત્ર મુકેશ નાગજીભાઈ ચૌહાણ ઊભેલો હતો, મુકેશએ તેમને રોકી ફોન કરવા માટે મોબાઇલ માંગ્યો હતો. નરેશએ મોબાઈલ આપવાની ના પાડતા મુકેશ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમને એક લાફો મારી દીધો હતો. ત્યારબાદ મંદિર પાસે પડેલ લાકડાનો બડિયો ઉઠાવી નરેશભાઈના ડાબા પગ પર બે ઘા મારી દીધા હતા., હુમલા દરમિયાન નરેશનો મોબાઇલ નીચે પડી જતા તે લેવા જતા મુકેશએ હાથમાંથી આંચકી લીધો હતો અને "હવે તને પાછો આપવો નથી" તેમ કહી મોબાઇલ લૂંટી લીધો હતો. આ સમયે રસ્તા પરથી પસાર થતા અન્ય મિત્રો રાજુ પથુભાઈ અને અજય ભૂપતભાઈએ આવીને નરેશને છોડાવ્યા હતા, તે વખતે આરોપી મુકેશએ ઉશ્કેરાઈ જઈને નરેશને તેમની જાતિ પ્રત્યે અપમાનિત કરી જાતીય હડધૂત કરી ગાળો આપી હતી અને નાસી છૂટ્યા હતા., આ બનાવ બાદ નરેશ ગભરાઈને મજૂરીએ જવાના બદલે ઘેર જતા રહ્યા હતા અને પોતાના પિતાજી દુદાભાઈ તથા નાના ભાઈ રવિભાઈને સમગ્ર હકીકત જણાવી હતી. પરિવારજનોને એમ હતું કે, મુકેશ સામેથી મોબાઈલ પરત આપી જશે, પરંતુ આજદિન સુધી મોબાઈલ પરત ન આપતા અંતે પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ નોંધાવવાનું નક્કી કરાયું હતું., આ લૂંટાયેલા વીવો કંપનીના V-40 E મોડલના મોબાઈલની કિંમત અંદાજે રૂપિયા 10,000 જેટલી છે, જેમાં વી.આઈ. કંપનીનું સિમ કાર્ડ હતું જે નરેશભાઈના ભાઈના સાળા જીગર સોલંકી રહે. વલ્લભીપુર ના નામે નોંધાયેલું છે. બનાવના સમયે જાતિનો દાખલો હાજરમાં ન હોવાથી ફરિયાદ નોંધાવવામાં વિલંબ થયો હતો, જે બાદમાં દાખલો મેળવીને પોલીસ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે ભોગ બનનાર યુવકની ફરિયાદના આધારે આરોપી મુકેશ નાગજીભાઈ ચૌહાણ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..
Read full article on Divya Bhaskar