top
ફ્રી મૂવીની લાલચે મોબાઈલ હેક:₹55,500ની છેતરપિંડી, વઘઈ પોલીસે ઉંઝાથી બે આરોપીને ઝડપી પાડ્યા, બે મોબાઈલ જપ્ત
ડાંગ જિલ્લામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર મળતી લાલચભરી જાહેરાતોથી સાવચેત રહેવાની જરૂરિયાત બતાવે છે. વઘઈમાં એક વ્યક્તિને ફેસબુક પર ફ્રી મૂવી ડાઉનલોડ કરવાની જાહેરાતમાં ફસાવવામાં આવ્યો હતો. અજાણી એપ્લિકેશન અને APK ફાઇલ મોબાઈલમાં ઇન્સ્ટોલ કરાવી તેનો કંટ્રોલ મેળવી ₹55,500ની સાયબર છેતરપિંડી કરવામાં આવી હતી. આ કેસમાં વઘઈ પોલીસે ટેકનિકલ તપાસ અને બેંક ટ્રાન્ઝેક્શનના આધારે મહેસાણાના ઉંઝાથી બે આરોપીઓને પકડ્યા છે. પોલીસે જણાવ્યું કે, 7 જુલાઈ 2026ના રોજ ફરિયાદી વઘઈમાં સાંઈ ઝેરોક્ષની દુકાન પાસે ફેસબુક વાપરી રહ્યા હતા. ત્યારે તેમને ફ્રી મૂવી ડાઉનલોડ કરવાની એક જાહેરાત દેખાઈ. આ જાહેરાત દ્વારા ફરિયાદીના મોબાઈલમાં AlSecret નામની એપ્લિકેશન અને પછી ReBBitX Movies નામની APK ફાઇલ ઇન્સ્ટોલ થઈ હતી. APK ઇન્સ્ટોલ થયા પછી, મોબાઈલમાં અચાનક અલગ રીતે અપડેટ થવા લાગ્યું અને મોબાઈલ બે વાર રીસ્ટાર્ટ થયો. ત્યાર પછી ફરિયાદીએ પોતાના મોબાઈલ પરનો કંટ્રોલ ગુમાવી દીધો. અજાણ્યા વ્યક્તિએ મોબાઈલનો એક્સેસ મેળવી ઓનલાઈન છેતરપિંડી કરીને કુલ ₹55,500 ઉપાડી લીધા હતા. આ બાબતે વઘઈ પોલીસ સ્ટેશનમાં NCCRP પોર્ટલ પર મળેલી અરજીના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો. ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 318(4) અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 66(C), 66(D) હેઠળ તપાસ શરૂ કરાઈ હતી. તપાસ દરમિયાન પોલીસે ટેકનિકલ તપાસ, બેંક ટ્રાન્ઝેક્શન સહિતની વિગતોનું બારીકાઈથી વિશ્લેષણ કર્યું. તપાસમાં આરોપીઓ મહેસાણાના ઉંઝામાં હોવાની જાણ થતાં, વઘઈ પોલીસની ટીમે તરત કાર્યવાહી કરીને બંને આરોપીઓને પકડી લીધા. પકડાયેલા આરોપીઓમાં રાજ ચંદ્રકાંતભાઈ નાઈ અને સંજયભાઈ મંગાજીભાઈ ઠાકોરનો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી લગભગ ₹20 હજારની કિંમતના બે મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. આરોપીઓના બેંક ઇતિહાસની તપાસમાં સામે આવ્યું છે કે ગુજરાત અને ઝારખંડ એમ બે રાજ્યોમાં NCRP પોર્ટલ પર તેમની સામે અરજીઓ નોંધાઈ છે. આરોપીઓએ અન્ય કોઈ વ્યક્તિ સાથે આવી છેતરપિંડી કરી છે કે કેમ, તે અંગે વઘઈ પોલીસ વધુ તપાસ કરી રહી છે. પોલીસે લોકોને વિનંતી કરી છે કે સોશિયલ મીડિયા પર મળતી ફ્રી મૂવી, ગિફ્ટ, લોટરી, જોબ કે ઇનામની લાલચ આપતી જાહેરાતોથી સાવચેત રહે. અજાણી APK ફાઇલ કે એપ્લિકેશન મોબાઈલમાં ઇન્સ્ટોલ ન કરવી. OTP, UPI PIN કે બેંકની મહત્વની માહિતી કોઈને ન આપવી. જો સાયબર છેતરપિંડી થાય તો તરત 1930 હેલ્પલાઇન પર જાણ કરવા પોલીસે કહ્યું છે.
Read full article on Divya Bhaskar