top
PM મોદીના આગમન પૂર્વે વડોદરામાં દબાણ હટાવ ઝૂંબેશ:ફતેગંજ વિસ્તારમાં અધિકારીઓ અને લારી ધારક વચ્ચે ચકમક, વારસિયામા ગંદકી બદલ 33 હજારનો દંડ
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક અને રસ્તાઓને અડચણરૂપ બનેલા ગેરકાયદેસર દબાણો સામે લાલ આંખ કરીને વ્યાપક દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. પાલિકાની દબાણ શાખાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે શહેરના ફતેગંજ અને વારસિયા સહિતના વિસ્તારોમાં કડક કામગીરી કરી હતી, જેના કારણે ગેરકાયદેસર રીતે રસ્તા રોકીને બેઠેલા લારી-ગલ્લા ધારકો તેમજ વેપારીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આ સમગ્ર કામગીરી દરમિયાન પાલિકાની ટીમે અંદાજે 5 ટ્રક જેટલો સામાન જપ્ત કરીને વડોદરા શહેરના મુખ્ય રસ્તાઓને ખુલ્લા કરાવ્યા હતા. લારી હટાવવા ગયેલા અધિકારીઓ સાથે રકઝક આ ઝુંબેશ દરમિયાન સૌથી વધુ નાટ્યાત્મક દ્રશ્યો ફતેગંજ વિસ્તારમાં સર્જાયા હતા. પાલિકાની દબાણ હટાવ ટીમે જ્યારે ફતેગંજમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી, ત્યારે ત્યાં લારી ચલાવતા એક માથાભારે લારી ચાલક અને તેના પરિવારજનોએ કામગીરીનો તીવ્ર વિરોધ કરી ભારે હોબાળો મચાવ્યો હતો. આ લારી ધારકે જાહેર રસ્તા પર જ લારીની આસપાસ ગેરકાયદેસર રીતે પાકો ઓટલો અને શેડ બનાવી દીધો હતો. એટલું જ નહીં, ગ્રાહકો માટે રસ્તા પર જ ટેબલ અને ખુરશીઓ ગોઠવીને કાયમી ધોરણે દબાણ ઊભું કરી દીધું હતું. જ્યારે પાલિકાની ટીમે આ ગેરકાયદે બાંધકામ અને સામાન હટાવવાનો પ્રયાસ કર્યો ત્યારે લારી ધારક અને તેના પરિવારે કાયદાનો અનાદર કરી ટીમ સાથે ઘર્ષણ કર્યું હતું. એક કલાક બાદ મામલો થાળે પડ્યો સ્થળ પર હાજર પોલીસ કાફલા અને પાલિકાના અધિકારીઓએ તકેદારી દાખવીને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. લગભગ એક કલાકની ભારે જહેમત અને વિરોધ બાદ મામલો થાળે પડ્યો હતો. ત્યારબાદ આ લારીને નરહરિ વિસ્તાર તરફ શિફ્ટ કરવામાં આવી હતી અને રસ્તા પર મુકેલો તમામ સમાન પાલિકા દ્વારા કબ્જે કરવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં અન્ય લારીઓના દબાણ પણ દૂર કરવામાં આવ્યા હતા. પાણીપુરીના સંચાલકો સામે લાલ આંખ બીજી તરફ, વડોદરાના વારસિયા વિસ્તારમાં પણ પાલિકાની આરોગ્ય અને દબાણ શાખા દ્વારા કડક સપાટો બોલાવવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં જાહેર આરોગ્ય સાથે ચેડાં કરતા અને બિનઆરોગ્યપ્રદ પરિસ્થિતિમાં પાણીપુરી બનાવતા સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પાલિકાની ટીમે પાણીપુરી બનાવવા માટે ઊભા કરાયેલા ગેરકાયદેસર ભઠ્ઠા જમીનદોસ્ત કરી દીધા હતા. આ ઉપરાંત, સ્થળ પર ભારે ગંદકી ફેલાવવા બદલ સંચાલકો પાસેથી રૂ. 33,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. શહેરના તમામ વિસ્તારોમાં ટ્રાફિક સુચારૂ રીતે ચાલે અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે આગામી દિવસોમાં પણ આ કડક કાર્યવાહી ચાલુ રહેશે તેમ પાલિકા સૂત્રોએ જણાવ્યું છે.
Read full article on Divya Bhaskar