politics
ફિશ માર્કેટ પર PMના નામના બોર્ડને સફેદ કવરથી ઢાંકી દેવાયું:વિવાદ વકરતા એસો.ના પ્રમુખે સ્ટેન્ડિંગ ચેરમેનને પત્ર લખ્યો, નામકરણનો કાયદેસર ઠરાવ પસાર કરવા માગ
સુરતના નાનપુરા-લક્કડકોટ ખાતે પાલિકાના સત્તાવાર ઠરાવ કે ઉદ્ઘાટન વિના જ ધમધમતી ફિશ માર્કેટના મુખ્ય ગેટ પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામનું બોર્ડ લગાવવાના મામલે ભારે હોબાળો મચ્યો હતો. મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થતાં જ સ્થાનિક રાજકારણ અને મનપા તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. વિવાદ વકરતાં અને ઉગ્ર વિરોધ બાદ આખરે વિવાદાસ્પદ બોર્ડ પર સફેદ કવર લગાવીને વડાપ્રધાનનું નામ ઢાંકી દેવાની ફરજ પડી છે. દબાણ વધતાં વિવાદાસ્પદ નામ ઢાંકવું પડ્યું ₹3.90 કરોડના સરકારી ખર્ચે બનેલા આ પ્રોજેક્ટમાં પાલિકાની સામાન્ય સભા કે સાંસ્કૃતિક સમિતિની મંજૂરી વિના જ ‘SHREE NARENDRA MODI WHOLESALE FISH MARKET’નું વિશાળ બોર્ડ મારી દેવાયું હતું. શુદ્ધ શાકાહારી વડાપ્રધાનના નામે માંસાહારી માર્કેટ ચલાવી છબી ખરડવાના પ્રયાસ સામે સ્થાનિક કહાર-માછી સમાજ અને વિપક્ષે મોરચો માંડ્યો હતો. પાલિકાની ટીમ દ્વારા કાર્યવાહીની ચેતવણી અને વધતા જનઆક્રોશ સામે ઝૂકીને આખરે એસોસિએશને તે વિવાદાસ્પદ નામ દેખાતું બંધ થાય તે માટે તેના પર સફેદ આડશ લગાવી દીધી છે. હવે લીગલ પ્રોસેસ માટે લેટર લખ્યો સમગ્ર ઘટનાક્રમ બાદ એસોસિએશનના પ્રમુખ કલ્પેશ નવસારીવાલાએ જણાવ્યું હતું કે, "આ વિવાદ બાદ અમે સ્થાનિક કોર્પોરેટર વ્રજેશભાઈ સાથે ચર્ચા કરી છે. અમે સત્તાવાર મંજૂરી માટે પાલિકાને લેટર લખ્યો છે. જ્યાં સુધી પાલિકા દ્વારા કાયદેસર ઠરાવ પસાર ન થાય ત્યાં સુધી બોર્ડ પર સફેદ કપડું લગાવી દેવામાં આવ્યું છે. પાલિકાના અધિકારીઓ પણ સ્થળ પર આવ્યા હતા અને તેમની હાજરીમાં આ કામગીરી કરવામાં આવી છે. નામકરણ કરવાનો કાયદેસર ઠરાવ પસાર કરવા માગ એસોસિએશનના પ્રમુખ કલ્પેશ નવસારીવાલા દ્વારા સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને લેખિત પત્ર પાઠવીને લક્કડકોટ માછીવાડની નવી હોલસેલ ફિશ માર્કેટનું નામકરણ ‘શ્રી નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ રાખવા સત્તાવાર મંજૂરી માંગવામાં આવી છે. પત્રમાં રજૂઆત કરાઈ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમસ્ત માછી સમાજના ઉત્થાન માટે ₹20 હજાર કરોડની 'પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના' (PMMSY) હેઠળ અલગ મંત્રાલય બનાવવામાં આવ્યું હતું અને આ માર્કેટ નિર્માણ માટે કેન્દ્ર સરકારે ₹3 કરોડની ફાળવણી કરી છે. રસ્તા પર ગંદકી વચ્ચે વેપાર કરતા માછીમારોને આ પ્રોજેક્ટથી યોગ્ય રોજગારી અને રાહત મળી હોવાથી, વડાપ્રધાનના પ્રદાનને સન્માન આપવાના આશયથી આ નામકરણ કરવાનો કાયદેસર ઠરાવ પસાર કરવામાં આવે. અગાઉ આત્મવિલોપન અને કેસ કરવાની ધમકીઓ અપાઈ હતી ગઈકાલે એસોસિએશનના આગેવાનો ઉગ્ર બની ગયા હતા. મંજુબેન નામના આગેવાને કાયદેસર કેસ કરવાની અને કલ્પેશભાઈ નવસારીવાલાએ આત્મવિલોપનની ધમકી આપી હતી. જોકે, અહેવાલના કારણે તંત્ર પર દબાણ વધતાં આખરે આ બોર્ડને ઢાંકવાની ફરજ પડી છે.
Read full article on Divya Bhaskar