top
PM આવાસ યોજનાની સહાય માટે લાંચનો ખેલ:તલાટીના ઈશારે ₹2500 લેવા ગયેલો પટ્ટાવાળો પંચાયત કચેરી સામેથી જ ACBના સકંજામાં
ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટેની સરકારી યોજનાઓમાં પણ ભ્રષ્ટાચાર આચરતા અધિકારી-કર્મચારીઓ સામે એન્ટિ-કરપ્શન બ્યુરો (ACB) એ લાલ આંખ કરી છે. અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાની ચુવાળ-ડાંગરવા ગ્રામ પંચાયતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન સહાયના નાણાં છૂટા કરવા પેટે તલાટી વતી લાંચની માગણી કરનાર પટ્ટાવાળાને ACBની ટીમે ₹2500ની લાંચ લેતાં પંચાયત કચેરી સામેથી રંગેહાથ ઝડપી પાડ્યો છે. આવાસ યોજનાની સહાય માટે 5 હજારની વ્યવહાર પેટે માગણી પ્રાપ્ત વિગતો અનુસાર, દેત્રોજ તાલુકાના ચુવાળ-ડાંગરવા ગામના એક જાગૃત નાગરિકની પત્નીના નામે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાકું મકાન મંજૂર થયું હતું. આ યોજના અંતર્ગત સરકાર તરફથી મળવાપાત્ર આર્થિક સહાયનો હપ્તો મેળવવા માટે અરજદાર પોતાની ગ્રામ પંચાયત કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં તલાટીએ સહાયની રકમ મંજૂર કરવાના બદલામાં "વ્યવહાર કરવો પડશે" તેમ કહી પંચાયતના પટ્ટાવાળા મનુજી ઠાકોરને મળી લેવા જણાવ્યું હતું. અરજદારે પટ્ટાવાળા મનુજીનો સંપર્ક કરતાં તેણે કુલ ₹5,000ની લાંચની માગણી કરી હતી અને શરત મૂકી હતી કે: લાંચ આપવાને બદલે જાગૃત નાગરિકે ACBનો સંપર્ક કર્યો અરજદાર ભ્રષ્ટ વહીવટ સામે ઝૂકવા કે લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ બાબતે સીધો જ એન્ટિ-કરપ્શન બ્યુરો (ACB) નો સંપર્ક કરી સમગ્ર હકીકત જણાવી ફરિયાદ નોંધાવી હતી. પંચાયત કચેરી સામે જ ગોઠવાયેલા છટકામાં પ્યુન ઝડપાયો ફરિયાદના આધારે ACB અધિકારીઓએ પંચાયત કચેરી નજીક લાંચનું છટકું ગોઠવ્યું હતું. યોજના મુજબ ફરિયાદી જ્યારે એડવાન્સ પેટે નક્કી થયેલા 2500 આપવા પહોંચ્યા ત્યારે ગ્રામ પંચાયત કચેરીની સામે જ પટ્ટાવાળા મનુજી ઠાકોરે લાંચની રકમ સ્વીકારતાની સાથે જ ACBની ટીમે તેને રંગેહાથ ઝડપી લીધો હતો. ACB દ્વારા પટ્ટાવાળાની અટકાયત કરી તેની વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ લાંચ કાંડમાં તલાટીની સીધી ભૂમિકા અને સંડોવણી અંગે પણ ACB દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.
Read full article on Divya Bhaskar