નવસારી ‘નમો કમલમ’ના ઉદ્ધાટનમાં PM મોદીએ સી.આર પાટીલને ભાઈ કહી કરી આ મોટી વાત
નવસારીમાં પ્રવચનની શરુઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાઈ સી.આર. બોલી કરી હતી. જે તેમના પ્રત્યેનો વિશ્વાસ દર્શાવે છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવસારીમાં નવનિર્મિત જિલ્લા ભાજપ કાર્યાલય ‘નમો કમલમ’નું ભવ્ય ઉદ્ઘાટન કર્યું હતું. રાજકીય રીતે આ કાર્યક્રમને માત્ર એક નવા કાર્યાલયના લોકાર્પણ તરીકે નહીં પરંતુ પ્રધાનમંત્રી મોદી અને કેંદ્રીય મંત્રી સી.આર.પાટીલ વચ્ચેના ઘનિષ્ઠ સંબંધને પણ દર્શાવે છે. ચંદ્રકાંત રઘુનાથ પાટીલ (સી.આર. પાટીલ) તેમની કામ કરવાની શૈલી અને સંગઠન પરની પકડના કારણે તેઓ PM મોદીની ખૂબ જ નજીકના માનવામાં આવે છે.
ગુજરાતમાં જે રીતે સૌરાષ્ટ્રને ભારતીય જનતા પાર્ટી(BJP)ની રાજકીય લેબોરેટરી ગણવામાં આવે છે તેજ રીતે દક્ષિણ ગુજરાતનું નવસારી પણ રાજનીતિનું મહત્વનું કેંદ્ર રહ્યું છે. નવસારી લોકસભા મતવિસ્તાર બન્યા બાદ છેલ્લા દોઢ દાયકાથી નવસારી લોકસભા બેઠક સમગ્ર દેશમાં ચર્ચામાં રહે છે.
નવસારીના નવા બનેલા ‘નમો કમલમ’નું પીએમ મોદીના હાથે ઉદ્ધાટન એક વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદી દ્વારા જિલ્લા કક્ષાના ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન થયુ હોય તો આ સમગ્ર દેશમાં કદાચ પ્રથમ ઘટના છે. નવસારીમાં ભાજપ કાર્યાલય ‘નમો કમલમ’ના ભવ્ય ઉદ્ઘાટનમાં પ્રધાનમંત્રી મોદીની હાજરી માત્ર સી.આર.પાટીલ પ્રત્યે તેમનો ભાવ જવાબદાર છે.

નવસારીમાં 40 હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં ‘નમો કમલમ’ તૈયાર કરવામાં આવ્યું છે. આ નમો કાર્યાલય જેના નિર્માણ પાછળ અંદાજે 10 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ કાર્યાલયમાં મિટિંગ રુમથી લઈને ઓડિટોરિયમ, હાઇસ્પીડ ઇન્ટરનેટ અને AI આધારિત ટેક્નોલોજીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
નવસારી લોકસભા બેઠક સી.આર. પાટીલનું સંસદીય ક્ષેત્ર છે. તેઓ 2024માં ફરી નવસારી લોકસભા બેઠક પરથી ચૂંટાયા હતા. હાલમાં કેન્દ્ર સરકારમાં તેઓ જળ શક્તિ મંત્રી તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. સી.આર. પાટીલની રાજકીય કાર્યશૈલીની સૌથી મોટી વિશેષતા સંગઠનને ચૂંટણીના સૂક્ષ્મ સ્તર સુધી લઈ જવાની રહી છે. 2020માં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ તેમણે ‘પેઈજ કમિટી’ જેવા સંગઠનાત્મક મોડલને મોટાપાયે આગળ વધાર્યું હતું. મતદાર યાદીના દરેક પેજ સાથે કાર્યકરોને જોડવાનો આ અભિગમ ભાજપની ચૂંટણી મશીનરીને વધુ માઇક્રો-લેવલ સુધી લઈ ગયો. તેના પરિણામો પણ રાજકીય રીતે નોંધપાત્ર રહ્યા હતા.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં શાનદાર પ્રદર્શન
2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપે મહાનગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતોમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. પાટીલના જણાવ્યા મુજબ ભાજપે તમામ 31 જિલ્લા પંચાયતો જીતી હતી 91માંથી 89 નગરપાલિકાઓમાં જીત મેળવી હતી અને તાલુકા પંચાયતોમાં પણ મોટું પ્રભુત્વ સ્થાપ્યું હતું.
વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપની ઐતિહાસિક જીત
2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીતનો શ્રેય સી.આર. પાટીલને જાય છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભારતીય જનતા પાર્ટીએ 156 બેઠકો પર ભવ્ય જીત મેળવી હતી, જે ગુજરાતના ઇતિહાસમાં કોઈપણ પક્ષ દ્વારા જીતવામાં આવેલી સૌથી મોટી જીત હતી. રાજ્યમાં સત્તાવાર વિપક્ષ તરીકે માન્યતા મેળવવા માટે અન્ય કોઈ રાજકીય પક્ષ પૂરતી બેઠકો જીતી શક્યો નહીં.
2019 માં દેશમાં સૌથી મોટા માર્જિનથી નવસારી લોકસભા બેઠક પર જીત
સીઆર પાટીલ 2019ની લોકસભા ચૂંટણીમાં દેશમાં સૌથી વધુ મતોથી જીતવાનો રેકોર્ડ પણ ધરાવે છે. સૌથી વધુ વોટથી જીતવાના મામલે પીએમ મોદી પણ તેમની પાછળ છે. 2019ની લોકસભા ચૂંટણીમાં સીઆર પાટીલને 9,72,739 વોટ મળ્યા હતા. તેમણે તેમના હરીફ કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ પટેલને 6,89,688 મતોથી હરાવ્યા હતા. નવસારી લોકસભા બેઠક સી.આર. પાટીલનો ગઢ છે. આ બેઠક પર કોંગ્રેસ હજુ ખાતું ખોલાવી શકી નથી. નવસારી બેઠક જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી ભાજપ જ જીતતી આવી છે. 2024માં આ જીતનો સિલસિલો યથાવત્ રહ્યો હતો. ભાજપના સી.આર.પાટીલે 7,73,551 મતોથી ભવ્ય જીત મેળવી હતી. વર્ષ 2008 માં નવુ સિમાંકન થયા બાદ 2009 માં નવસારીમાં પ્રથમ વખત લોકસભા ચૂંટણી થઈ હતી. ત્યારથી લઈ 2009, 2014 અને 2019 એમ અત્યાર સુધી ત્રણ ચૂંટણીમાં સી.આર.પાટીલની ભવ્ય જીત થઈ છે.

2020માં ગુજરાત પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સંભાળી
ભાજપનો અભેદ્ય કિલ્લો ગણાતા ગુજરાતમાં સીઆર પાટીલને 2020માં પ્રદેશ અધ્યક્ષની કમાન સોંપવામાં આવી હતી. 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની રેકોર્ડબ્રેક જીતમાં દરેક વ્યક્તિ તેમની સંગઠનાત્મક કુશળતાના ચાહક બની ગયા હતા.
સી.આર.પાટીલે પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો
સી.આર.પાટીલે કહ્યું, નવસારીના નવનિર્મિત જિલ્લા કાર્યાલયના લોકાર્પણ પ્રસંગે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનું પધારવું, એ સમગ્ર કાર્યકર્તા પરિવાર માટે અવિસ્મરણીય અને ગૌરવપૂર્ણ ક્ષણ છે. કાર્યાલય માત્ર ઇમારત નથી, પરંતુ સંગઠનશક્તિ, સેવાભાવ અને જનસંપર્કનું સશક્ત કેન્દ્ર છે. આ ઐતિહાસિક દિવસ માટે નવસારી જિલ્લાના સૌ કાર્યકર્તાઓ વતી માનનીય પ્રધાનમંત્રીશ્રી પ્રત્યે હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.