top
પ્રમુખ પદ સામાન્ય મહિલા માટે અનામત, ભાજપ કાઉન્સિલરોને તક:થરા પાલિકાના પ્રમુખ પદ માટે આજે ચૂંટણી, ઠક્કર અથવા જૈન સમાજને તક
નવરચિત ઓગડ તાલુકાની થરા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે આજે ચૂંટણી યોજાશે. નગરપાલિકાના હોલ ખાતે યોજાનારી આ ચૂંટણીમાં પ્રમુખ પદે કોની પસંદગી થાય છે તેના પર સૌની નજર મંડાઈ છે. પ્રમુખ પદ સામાન્ય મહિલા માટે અનામત હોવાથી ભાજપમાં મહિલા ઉમેદવારની પસંદગી થશે. જેમાં ઠક્કર અથવા જૈન સમાજ ઉપર પસંદગીનો કળશ ઢોળાશે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. થરા પાલિકાની કુલ 6 વોર્ડની 24 બેઠકો માટે ગત ઓક્ટોબર મહિનામાં સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપે 24માંથી 19 બેઠકો પર વિજય મેળવી સ્પષ્ટ બહુમતી હાંસલ કરી હતી, જ્યારે કોંગ્રેસને માત્ર 5 બેઠકો મળી હતી. આ પરિણામ સાથે જ થરા નગરપાલિકામાં ભાજપનું શાસન નિશ્ચિત બન્યું હતું. હવે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે આજે ચૂંટણી યોજાનાર છે. પ્રમુખ પદ સામાન્ય મહિલા માટે અનામત હોવાથી ભાજપના મહિલા કાઉન્સિલરોમાંથી કોને તક મળે છે તે મહત્વનું બની રહેશે. બીજી તરફ પ્રમુખ પદ માટે ઠક્કર સમાજ કે જૈન સમાજમાંથી કોઈ મહિલા કાઉન્સિલરની પસંદગી થાય તેવી શક્યતાઓ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહી છે. ભાજપમાં પ્રમુખ પદને લઈને આંતરિક ગણતરીઓ તેજ બની છે.
Read full article on Divya Bhaskar