top
રાજકોટમાં કારની ટક્કરે ડોમિનોઝના ડિલિવરી બોયને હેમરેજ:કાલાવડ રોડ પર વળાંક લેતી કારે ઇલેક્ટ્રિક મોપેડને હડફેટે લીધી : યુવક બેભાન હાલતમાં સારવાર હેઠળ
રાજકોટના કાલાવડ રોડ પર જડ્ડુસ હોટેલ પાસે કાર અને ઇલેક્ટ્રિક મોપેડ વચ્ચે અકસ્માત સર્જાતા ડોમિનોઝમાં ડિલિવરી બોય તરીકે કામ કરતો નિતિન પુંજાણી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માતમાં નિતિનને માથા, કાન, જમણી આંખ અને જમણા પગના ગોઠણના ભાગે ઇજાઓ પહોંચી હતી. મળતી માહિતી મુજબ, ગત રાત્રિના એક વાગ્યાની આસપાસ કાલાવડ રોડ પર જડ્ડુસ હોટેલ પાસે ડાબી તરફ ટર્ન લેતા સમયે કાર ચાલકે ઇલેક્ટ્રિક મોપેડ પર જતા યુવાનને હડફેટે લીધો હતો. જે અકસ્માત બાદ લોકો એકઠા થયા હતા. તે સમયે કરીમભાઈ હેમાણી સહિતના લોકો સ્થળ પરથી પસાર થતાં ઇજાગ્રસ્ત નિતિનને સારવાર માટે વિરાણી વોકહાર્ટ હોસ્પિટલમાં લઈ ગયા હતા. નિતિનની ઇલેક્ટ્રિક મોપેડ નં. GJ-03-PF-6049 હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે અકસ્માત કરનાર ફોરવ્હીલરનો નંબર GJ-20-CA-4970 હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. હોસ્પિટલમાં તબીબોએ તપાસ કરતાં નિતિનને માથામાં હેમરેજ હોવાનું જણાવ્યું હતું અને હાલ તે બેભાન હાલતમાં સારવાર હેઠળ છે. નિતિનના પિતા નિઝારભાઈ અબ્દુલભાઈ પુંજાણીએ ફોર વ્હીલર ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે તપાસ શરૂ કરી છે. કપડાંની દુકાનમાં વેપારી સાથે ગ્રાહકે માથાકૂટ કરી માર માર્યો રાજકોટના ગુંદાવાડી મેઇન રોડ પર આસોપાલવ કપડાંની દુકાનમાં ખરીદી બાબતે ગ્રાહક અને દુકાનદાર વચ્ચે થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ફરિયાદ મુજબ, મહિલાએ પસંદ કરેલા કપડાંનું બિલ બનાવવાના મુદ્દે બોલાચાલી થતાં મહિલા કાજલબેન, તેના પતિ મેહુલભાઈ ચૌહાણ તેમજ તેમના મળતિયાઓએ દુકાનમાં આવી પહોંચ્યા હતા અને દુકાનદાર પ્રશાંતભાઈ દેસાઈ અને તેમના ભાઈ આશિષભાઈ સાથે મારામારી કરી હતી.ફરિયાદમાં જણાવ્યા મુજબ, મારામારીમાં દુકાનદારને હાથ તથા ખંભાના ભાગે તેમજ તેના ભાઈને હાથ અને માથાના ભાગે ઈજા થઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. ઈજાગ્રસ્ત બંને ભાઈઓને સારવાર માટે રાજકોટની પદ્મકુંવરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દુકાનદારે મહિલાના પતિ, તેના સંબંધીઓ સહિતના લોકો સામે ધોરણસરની કાર્યવાહી કરવા ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. વૃધ્ધા પર્સની ખરીદી કરવા ગયા ને' સોનાનો ચેન ચોરાઈ ગયો શહેરમાં એક વૃધ્ધા પર્સની ખરીદી કરવા દુકાનમાં ગયા અને ત્યાં ગ્રાહકના સ્વાંગમાં રહેલી બે મહિલાઓ સોનાનો ચેન ચોરી ગયાની ઘટના સામે આવી છે. શહેરના શીતલ પાર્ક પાસેની દ્વારકા હાઈટમાં રહેતા 80 વર્ષીય નિરંજનાબેન ખાખરા 27 ઓગસ્ટના બપોરના સમયે એસ.કે.ચોક મેઈન રોડ પર આવેલી દ્વારકેશ ઝોન નામની કટલેરીની દુકાનમાં પર્સની ખરીદી કરવા માટે ગયા હતા જોકે આ દરમિયાન ત્યાં મોઢા પર દુપટ્ટો બાંધી આવેલી બે મહિલાઓએ નજર ચૂકવી વૃદ્ધાના ગળામાંથી રૂ.1.50 લાખની કિંમતનો સોનાનો ચેન સેરવી લીધો હતો. આ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. કાર હડફેટે એક્ટિવા ચાલક વેપારી વૃધ્ધનું સારવારમાં મોત રાજકોટના રેસકોર્સ રીંગરોડ પર એકટીવા પર જતા વૃદ્ધને પૂરપાટ ઝડપે જતી કારે હડફેટે લીધા હતા જેને લીધે વૃદ્ધને માથામાં ગંભીર ઇજા પહોંચતા તેનું 12 દિવસની સારવારના અંતે મૃત્યુ નિપજ્યું છે. જેથી વૃધ્ધના પિતા એવા વેપારીએ અકસ્માત સર્જતા કારચાલક સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી મુજબ, શહેરની શ્રેયશ સોસાયટી મેઇન રોડ ઉપર રહેતા અને સ્ટાર પ્લાઝામાં મહાલક્ષ્મી એગ્રી કોમોડિટીઝ નામે ઓફિસ ધરાવતા વેપારી અભિષેક રાયચુરાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમે પિતા અને કાકા સાથે વેપાર કરીએ છીએ. ગત તા.8 ઓગસ્ટના સાંજના સમયે 63 વર્ષીય પિતા પ્રકાશભાઈ હમણાં આવું છું તેમ કહી એકટીવા લઈને ઘરે પડ્યા હતા. ત્યારબાદ રેસકોર્સ રીંગરોડ ઉપર પહોંચતા પાછળથી કાર ચાલક (નં.CH 01 AJ 7141) એ હડફેટે લીધા હતા. જે બાદ તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓને આઇસીયુમાં પણ રાખવામાં આવ્યા હતા પરંતુ સારવાર કારગત નિવડી ન હતી અને તેમને ગત 20 ઓગસ્ટના દમ તોડી દેતા મૃત્યુ નીપજ્યું હતું. જોકે એ ડિવિઝન પોલીસે ગૂનો નોંધી કારચાલકને ઝડપી લેવા માટે તપાસ શરૂ કરી છે.
Read full article on Divya Bhaskar