Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી જંતર-મંતર આંદોલન દરમિયાન પેલેટ ગનના ઉપયોગના મામલે એફઆઈઆર (FIR) નોંધવાની માંગ સાથે દિલ્હીના સંસદ માર્ગ પોલીસ સ્ટેશનના કેમ્પસમાં ધરણા કરી રહ્યા છે. પોલીસનું કહેવું છે કે તેમણે ફરિયાદ લઈ લીધી છે અને તેમને જણાવી દીધું છે કે ક્રાઈમ બ્રાન્ચ આ મામલાની તપાસ કરી રહી છે. રાહુલ ગાંધીએ દિલ્હી પોલીસના જોઈન્ટ સીપી નુપુર પ્રસાદ સાથે મુલાકાત કરી. ત્યારબાદ તેઓ બહાર આવ્યા, તેમના માટે ખુરશી લાવવામાં આવી અને તેઓ ત્યાં જ ધરણા પર બેસી ગયા.
રાહુલ ગાંધી સાથે પેલેટ ગનથી પીડિત સાહિલ લાછોબ અને તેમના પરિવારજનો પણ હાજર છે. 24 જુલાઈએ રાહુલ ગાંધીએ લાછોબ સાથે પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી અને પેલેટ ગનના ઉપયોગના નિશાન બતાવ્યા હતા.
કોંગ્રેસનું કહેવું છે કે સરકાર જણાવે કે આખરે કોના આદેશ પર પેલેટ ગનનો ઉપયોગ કરવામાં આવ્યો. અમિત શાહ જવાબ આપે. આ જ માંગને લઈને સંસદમાં પણ હંગામો થયો હતો અને આખું ચોમાસું સત્ર લગભગ ધોવાઈ ગયું હતું.