top
Rajkot News: ઓવરટેક બાબતે બોલાચાલી બાદ મારામારી, ધોરાજીના યુવકનું સારવાર દરમિયાન મોત
ધોરાજીથી જૂનાગઢ તરફ જતા માર્ગ પર ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે બે બાઈક ચાલકો વચ્ચે શરૂ થયેલો ઝઘડો ગંભીર મારામારીમાં પરિણમ્યો. તોરણીયાના પાટીયા નજીક બંને બાઈક ચાલકો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હતી. આ દરમિયાન અજાણ્યા યુવકોએ ધોરાજીના બહારપુરા વિસ્તારમાં રહેતા જયેશ વિંઝુડા નામના યુવકને ઢોર માર માર્યો હતો. મારામારીમાં જયેશના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર હાલતમાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના જૂનાગઢ જિલ્લા પોલીસની હદમાં બનતા ધોરાજી પોલીસે જૂનાગઢ પોલીસને જાણ કરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને લઈને જૂનાગઢ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને મારામારીમાં સામેલ શખ્સોની શોધખોળ શરૂ કરી છે.