top
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં ઐતિહાસિક નિર્ણયો:કોન્ટ્રાક્ટરો પર લગામ, તમામ બાંધકામો RB ને સોંપાશે,ઉત્તરવહી સરકારી પ્રેસમાંથી જ ખરીદાશે
પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ખાતે સોમવારે કુલપતિ ડૉ. કે.સી. પોરિયાની અધ્યક્ષતામાં બોર્ડ ઓફ મેનેજમેન્ટ (BOM) ની બેઠક યોજાઈ હતી. યુનિવર્સિટી વહીવટમાં વ્યાપક સુધારા અને પારદર્શિતા લાવવાના ઉદ્દેશ સાથે આ બેઠકમાં મુખ્યત્વે 3 સંવેદનશીલ મુદ્દાઓ પર ગહન ચર્ચા-વિચારણા બાદ નિર્ણય લેવામાં આવ્યા હતા. જેમાં યુનિવર્સિટી દ્વારા હવે બાંધકામોના કામો સરકારી માર્ગ અને મકાન વિભાગને વિભાગને આપવા માટે નિર્ણય લેવાયો છે. ઉપરાંત હવે ઉત્તરવહીઓ સરકારી પ્રિન્ટિંગ પ્રેસમાંથી જ ખરીદશે તેમ જ ઓછી સંખ્યા ધરાવતા ઉત્તર ગુજરાતના 136 પરીક્ષા કેન્દ્રોની માહિતીઓ મંગાવી કાર્યવાહી અંગે નિર્ણય લેવાશે. બેઠકની શરૂઆતમાં શારીરિક નિયામક ડૉ. ચિરાગ પટેલ, પ્રોફેસર અશ્વિન પટેલ અને મુકેશ પટેલ સહિત બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં નવ નિયુક્ત થયેલા છ નવા સભ્યોનું પ્રથમ બોર્ડમાં સન્માન કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શરૂ થયેલી કાર્યવાહીમાં કર્મચારીઓ અને શૈક્ષણિક કાર્યક્રમોને લગતા અનેક નિર્ણયો લેવાયા હતા. જેમાં વર્ષોથી પેન્ડિંગ રહેલી પ્રોફેસરોના સીએએસ (CAS) ની પ્રક્રિયાને આખરે મંજૂરી આપીને પ્રમોશન આપવામાં આવ્યા હતા. તાજેતરમાં નવી ભરતી કરાયેલા ટેકનિકલ આસિસ્ટન્ટ, જુનિયર સ્ટેનોગ્રાફર,અધિક મદદનીશ ઇજનેર અને ક્લાર્ક કમ ટાઈપિસ્ટ સહિતના છ કર્મચારીઓને વિધિવત નિમણૂક પત્રો સોંપાયા હતા. આ ઉપરાંત મહેકમ મુજબ મંજૂર થયેલી 5 શૈક્ષણિક અને 8 બિન-શૈક્ષણિક મળીને કુલ 13 નવી જગ્યાઓના રોસ્ટર રજિસ્ટર તૈયાર કરી આગામી સમયમાં નવી ભરતી પ્રક્રિયા હાથ ધરવા લીલી ઝંડી આપવામાં આવી હતી. અન્ય મહત્વના નિર્ણયમાં UGCના નિયમોનુસાર યુનિવર્સિટીમાં નવી રિચાર્જ કમિટી અને નવીન SC-ST સેલની રચનાને મંજૂરી અપાઈ હતી. યુનિવર્સિટીમાં શિસ્ત અને કડક વહીવટનો સંદેશ આપતા ગત વર્ષે પરીક્ષા દરમિયાન ચોરી કરતા ઝડપાયેલા 600થી વધુ વિદ્યાર્થીઓને પરીક્ષા કમિટીએ આપેલી સજા યથાવત રાખવામાં આવી છે અને એકપણ વિદ્યાર્થીની સજા માફ કરવામાં આવી નથી. બોર્ડ ઓફ મેનેજમેન્ટના આ તમામ નિર્ણયોથી વહીવટમાં નવી પારદર્શિતા આવશે તેવો સભ્યોએ આશાવાદ વ્યક્ત કર્યો હતો.બેઠકમાં રજિસ્ટ્રાર ડૉ.રોહિત દેસાઈ , સભ્ય દિલીપ ચૌધરી ( મહેસાણા) , ડૉ.કે.કે.પટેલ સહિતના સભ્યો હાજર રહ્યા હતા. બેઠકમાં લેવાયેલા ત્રણ મોટા નિર્ણયો 1 : હવે તમામ બાંધકામ સરકારી RB વિભાગ પાસે જ કરાવાશે યુનિવર્સિટી કેમ્પસમાં પોતાનો બાંધકામ વિભાગ કાર્યરત હોવા છતાં, બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા ખાનગી કોન્ટ્રાક્ટરોને રામરામ કરવાનો નિર્ણય લેવાયો છે. સરકારી ગ્રાન્ટમાંથી બનનારા નવા બિલ્ડીંગો અને મોટા પ્રોજેક્ટો હવે ખાનગી એજન્સીઓને ટેન્ડર મારફતે આપવાના બદલે સીધા સરકારી માર્ગ અને મકાન (RB) વિભાગને જ સોંપાશે. કુલપતિના જણાવ્યા મુજબ, સરકારી વિભાગ મારફતે કામ થવાથી બાંધકામ ગુણવત્તાસભર, ઝડપી અને કોઈપણ ગેરરીતી કે ભ્રષ્ટાચાર વગર પૂરું થઈ શકશે. પરીક્ષાની ઉત્તરવહી ખરીદીમાં ફેરફાર યુનિવર્સિટી દ્વારા વર્ષોથી દર વર્ષે વપરાતી અંદાજે 14 થી 15 લાખ જેટલી ઉત્તરવહીઓ એક જ ખાનગી એજન્સી પાસેથી જૂના ભાવે ખરીદવામાં આવતી હતી. આ પ્રક્રિયા સામે અવારનવાર ભ્રષ્ટાચાર અને ગેરરીતિના ગંભીર આક્ષેપો સાથે વિવાદો સર્જાતા હતા. કુલપતિ ડૉ. પોરિયાએ આ વિવાદોનો કાયમી અંત લાવવા નિર્ણય કર્યો છે કે હવેથી કોઈ ખાનગી પ્રિન્ટિંગ પ્રેસને ઓર્ડર આપવાને બદલે વિદ્યાર્થીઓની તમામ ઉત્તરવહીઓ માત્ર સરકારી પ્રિન્ટિંગ પ્રેસમાંથી જ નિયત સરકારી ભાવે ખરીદવામાં આવશે. 136 ઓછી સંખ્યાવાળા PG સેન્ટરો બંધ થવાના આરે : હવે નિર્ણય લેવાશે ઉત્તર ગુજરાતની સંલગ્ન કોલેજોમાં મંજૂર કરાયેલા પીજી (PG) કેન્દ્રોમાં વિદ્યાર્થીઓની સંખ્યા અત્યંત ચિંતાજનક સ્તરે ઘટી ગઈ છે. કેટલાક કેન્દ્રોમાં તો 1 થી 5 જેટલી જ સંખ્યા નોંધાઈ છે. આવા અંદાજે 136 જેટલા પીજી સેન્ટરો જ્યાં 10થી ઓછી સંખ્યા છે, તેમની પાસે હાલની હકીકતલક્ષી વિગતો અને સંચાલનની માહિતી માગવામાં આવી છે. આ માહિતી આવ્યા બાદ યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક હિતમાં આ કેન્દ્રોને ચાલુ રાખવા કે કાયમી ધોરણે બંધ કરવા તે અંગે આખરી નિર્ણય લેવામાં આવશે.
Read full article on Divya Bhaskar