crime
સાંઢખાખરામાં કરિયાણાની દુકાનમાં તોડફોડ કરી દુકાનદાર પર હુમલો:અફવા ફેલાવવાની શંકા રાખી ₹15થી 20 હજારનું નુકસાન પહોંચાડી મારી નાખવાની ધમકી આપી
ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના સાંઢખાખરા ગામે અફવા ફેલાવવાની શંકા રાખી બે શખસે કરિયાણાના દુકાનદારને લાફા મારી દુકાનમાં તોડફોડ કરી હતી. હુમલાખોરોએ કાચની બરણીઓ તોડી રૂ. 15થી 20 હજારનું નુકસાન પહોંચાડ્યું હતું, તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભયભીત થયેલા દુકાનદારે 112 હેલ્પલાઈન પર પોલીસ મદદ માગ્યા બાદ ગારીયાધાર પોલીસ મથકમાં ગામના જ બે શખસ સામે ફરિયાદ નોંધાવી છે. અફવા ફેલાવવાનો આક્ષેપ કરી બોલાચાલી બાદ હુમલો સાંઢખાખરા ગામે શાળા પાસે કરિયાણાની દુકાન ચલાવતા પ્રવિણ મનજીભાઈ વાળાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ પોતાની દુકાને હાજર હતા, ત્યારે ગામના જ યુવરાજ જ્યૂભાઈ મોરી અને હરપાલ મનુભાઈ મોરી ત્યાં આવી પહોંચ્યા હતા. યુવરાજે "તું મારા પિતા વિશે નસવાડીના ભાગીયાએ થપ્પડ માર્યાની વાતો કેમ ફેલાવે છે?" તેમ કહી બોલાચાલી શરૂ કરી હતી. ઉશ્કેરાયેલા બંને શખસે અપશબ્દો બોલી પ્રવિણભાઈનો કાઠલો પકડી ગાલ પર લાફા ઝીંકી દીધા હતા. દુકાનમાં તોડફોડ કરી મારી નાખવાની ધમકી આપી આરોપીઓએ દુકાનમાં રાખેલી કાચની બરણીઓ ઘોડામાં ભટકાડી રૂ. 15,000થી 20,000નું નુકસાન કર્યું હતું. દુકાનદારે જીવ બચાવવા પાછળના દરવાજેથી ઘરમાં જઈ દરવાજો બંધ કરી દેતાં આરોપીઓએ દરવાજો ખખડાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પ્રવિણભાઈએ 112 જનરક્ષક હેલ્પલાઈન પર ફોન કરતાં પોલીસની ગાડી આવતી જોઈ બંને શખ્સો ફરાર થઈ ગયા હતા. ગારીયાધાર પોલીસે બંને આરોપીઓ સામે BNS ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar