business
પાટણમાં ₹37.46 કરોડના ખર્ચે નવી કલેક્ટર કચેરી:અત્યાધુનિક સુવિધાઓ સાથે 2027 સુધીમાં પૂર્ણ થશે બાંધકામ
પાટણ જિલ્લામાં વહીવટી તંત્રને વધુ સુદ્રઢ અને સુવિધાસભર બનાવવા માટે નવી કલેક્ટર કચેરીનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. રાજ્ય સરકારે 30 ડિસેમ્બર, 2024ના પત્ર દ્વારા આ પ્રોજેક્ટ માટે ₹37.46 કરોડની સુધારેલી વહીવટી મંજૂરી આપી છે. માર્ગ અને મકાન વિભાગે 2 એપ્રિલ, 2025ના રોજ મારુતિ ફાઉન્ડેશન એન્ડ કન્સ્ટ્રક્શન કંપનીને આ બાંધકામનો વર્ક ઓર્ડર આપ્યો હતો. સમગ્ર કામગીરી 28 ફેબ્રુઆરી, 2027 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. આ નવી કલેક્ટર કચેરી G+2 પ્રકારની, ભૂકંપ પ્રતિરોધક ડિઝાઇન ધરાવતી RCC ફ્રેમ સ્ટ્રક્ચર આધારિત ઇમારત હશે. કુલ 6231 ચોરસ મીટરના બાંધકામમાં 310 ચોરસ મીટર પાર્કિંગ, 2156 ચોરસ મીટર ગ્રાઉન્ડ ફ્લોર, 2363 ચોરસ મીટર પ્રથમ માળ, 1162 ચોરસ મીટર બીજો માળ અને 240 ચોરસ મીટર સ્ટેર કેબિનનો સમાવેશ થાય છે. નવી કચેરી ભવનમાં સમ્પ, સમ્પરૂમ, પાર્કિંગ શેડ, ગાર્ડન, રેઇન વોટર હાર્વેસ્ટિંગ, વાતાનુકૂલિત કોન્ફરન્સ હોલ, RO સિસ્ટમ, આધુનિક ફર્નિચર, રેકોર્ડ રૂમ અને ફાયર સેફ્ટી સિસ્ટમ સહિતની અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. હાલમાં ઇજારદાર દ્વારા નવી કલેક્ટર કચેરીના વિવિધ બ્લોકમાં બાંધકામ કામગીરી તબક્કાવાર ચાલી રહી છે. A અને B બ્લોકમાં ટેરેસ ફ્લોર સ્લેબ લેવલની કામગીરી તેમજ પ્રથમ અને બીજા માળની ચણતર અને પ્લાસ્ટરની કામગીરી પ્રગતિ હેઠળ છે. જ્યારે C બ્લોકમાં પ્રથમ માળના સ્લેબ લેવલની કામગીરી તથા ગ્રાઉન્ડ ફ્લોરમાં ચણતરનું કામ ચાલી રહ્યું છે. આ ઉપરાંત, D બ્લોકમાં ગ્રાઉન્ડ ફ્લોરના કોલમની કામગીરી પણ પ્રગતિ હેઠળ છે. કેમ્પસ ડેવલપમેન્ટ અંતર્ગત કમ્પાઉન્ડ વોલનું નિર્માણ પણ શરૂ કરવામાં આવ્યું છે. નિર્ધારિત સમયમર્યાદામાં સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ થાય તે માટે ઇજારદાર દ્વારા કામગીરીને વેગ આપવામાં આવ્યો છે. નવી કલેક્ટર કચેરીનું બાંધકામ પૂર્ણ થતાં પાટણ જિલ્લા વહીવટી તંત્રને આધુનિક અને સુવિધાસભર કાર્યસ્થળ મળશે. અત્યાધુનિક માળખાકીય સુવિધાઓને કારણે વિવિધ સરકારી કામગીરીમાં કાર્યક્ષમતા વધશે અને નાગરિકોને વધુ સુગમ, ઝડપી અને અસરકારક વહીવટી સેવાઓ ઉપલબ્ધ બનશે. નવી કચેરીમાં સરકારી રેકોર્ડની વ્યવસ્થિત જાળવણી, બેઠકો અને કોન્ફરન્સ માટે સુવિધા, અગ્નિ સુરક્ષા, પાર્કિંગ અને પર્યાવરણલક્ષી રેઇન વોટર હાર્વેસ્ટિંગ જેવી સુવિધાઓનો લાભ મળશે. આ બાંધકામથી સ્થાનિક સ્તરે રોજગારી અને આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ મળશે. આમ, ₹37.46 કરોડના ખર્ચે આકાર લઈ રહેલી આ નવી કલેક્ટર કચેરી પાટણ જિલ્લાના વહીવટી માળખાને આધુનિકતા અને સુવિધાના નવા આયામ સાથે વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
Read full article on Divya Bhaskar