top
ગરીબ ફેરિયાઓ પાસેથી ₹5-5 હજાર પડાવી અસલમે આઈ-કાર્ડ વહેંચ્યા:200 મીટરના રસ્તે 45 મિનિટનો ટ્રાફિકજામ કરનારા ગેરકાયદે દબાણો અને ઉઘરાણું કરનાર સામે કડક કાર્યવાહીની માગ
સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં સ્થાનિક કોર્પોરેટર વ્રજેશ ઉનડકટ દ્વારા શહેરના રસ્તાઓ પર ટ્રાફિકને અડચણરૂપ બનતા લારી-ગલ્લા, પાથરણાંવાળાઓ અને તેના નામે ચાલતી તોડબાજી સામે અવાજ ઉઠાવવામાં આવ્યો છે. તેમણે ગેરકાયદેસર દબાણો અને ઉઘરાણાં કરતાં તત્વો સામે ફોજદારી ગુનો નોંધી કડક તપાસ કરવાની માગ કરી છે. ગેરકાયદે ઉઘરાણું અને આઈ-કાર્ડનું કૌભાંડ વ્રજેશ ઉનડકટે જણાવ્યું હતું કે, વર્ષ 2024માં મનપા દ્વારા ઝીરો દબાણ રૂટ અંતર્ગત રસ્તાઓ ખાલી કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ 116 જેટલા લારી-ગલ્લાવાળાઓએ હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. જોકે, ત્યારબાદ અચાનક 494 નવા પિટિશનરો જોડાઈ ગયા હતા. 'અસલમ' નામના એક વ્યક્તિ દ્વારા આ લારી-ગલ્લાવાળાઓ પાસેથી ₹5,000-₹5,000નું ઉઘરાણું કરીને અંદાજે ₹25 લાખ જેટલી માતબર રકમ ખંખેરી લેવામાં આવી છે. આ વ્યક્તિએ તમામને પિટિશનર તરીકે આઈ-કાર્ડ આપી દીધા છે અને ખાતરી આપી છે કે કોઈ કાર્યવાહી નહીં થાય. અધિકારીઓને ધમકી અને જાહેર માર્ગો બંધિયાર જ્યારે પણ મહાનગરપાલિકા કે દબાણ ખાતાના અધિકારીઓ કાર્યવાહી કરવા જાય છે, ત્યારે લારીવાળાઓ આઈ-કાર્ડ બતાવીને અધિકારીઓ સામે કોર્ટ કેસ કે ફોજદારી કાર્યવાહી કરવાની ધમકી આપે છે. લારીઓની સાથે 10-10 ખુરશી-ટેબલ અને કેનોપી નાખીને રસ્તા રોકી દેવામાં આવ્યા છે. પરિણામે સ્થાનિક રહીશોને માત્ર 200 મીટરનું અંતર કાપવા માટે 40 થી 45 મિનિટનો સમય વેડફવો પડે છે અને સમગ્ર શહેર રીતસરનું બંધક બની ગયું છે. હાઇકોર્ટના આદેશનું ખોટું અર્થઘટન તેમણે મેયર સમક્ષ રજૂઆત કરતાં જણાવ્યું કે, મનપા કોઈપણ લારીવાળા પાસેથી ચાર્જ વસૂલતી નથી, જ્યારે ખાનગી વ્યક્તિઓ ગરીબ લોકો પાસેથી તોડબાજી કરી રહ્યા છે. હાઇકોર્ટના વચગાળાના નિર્દેશોનું ખોટું અર્થઘટન કરી આખું સુરત શહેર વેચી મારવામાં આવી રહ્યું હોય તેવી સ્થિતિ છે. આ બાબતે લીગલ ઓપિનિયન (કાનૂની અભિપ્રાય) મેળવીને કોર્ટના આદેશનો સાચો અમલ કરવો જોઈએ. કડક તપાસ અને કાર્યવાહીની માગ કોર્પોરેટરે માગણી કરી છે કે, કોઈપણ વ્યક્તિને ગેરકાયદે વસૂલાત કરવાનો કોઈ હક નથી. તેથી ગરીબ ફેરિયાઓ પાસેથી નાણાં પડાવનાર અસલમ નામના વ્યક્તિ સામે તાત્કાલિક ફોજદારી ગુનો દાખલ કરી કાયદેસર તપાસ થવી જોઈએ. આ સાથે જ ટ્રાફિકને અડચણરૂપ તમામ ગેરકાયદે લારી-ગલ્લા તથા પાથરણાં તાકીદે હટાવી શહેરના રસ્તાઓ ખુલ્લા કરવા જોઈએ.
Read full article on Divya Bhaskar