top
પારડીમાં જમીન સોદામાં ₹53.50 લાખ ચૂકવ્યા, દસ્તાવેજ ન મળ્યો:વાપીના વેપારી સાથે છેતરપિંડી, આરોપી સામે બીજી ફરિયાદ નોંધાઇ
વલસાડના પારડી તાલુકામાં જમીનના સોદામાં છેતરપિંડીની વધુ એક ફરિયાદ નોંધાઈ છે. વાપીના એક ફૂલના વેપારીએ પલસાણા ગામે જમીન ખરીદવા માટે એક વ્યક્તિ સાથે સોદો કર્યો હતો. વેપારી અને તેના ભાગીદારે કુલ 53.50 લાખ રૂપિયા ચૂકવ્યા હોવા છતાં જમીનના દસ્તાવેજ કરાવી આપવામાં આવ્યા નથી, તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. પારડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, વાપીમાં રહેતા જીતુપ્રસાદ ગુપ્તા ફૂલનો હોલસેલ વેપાર કરે છે. એપ્રિલ 2025માં તેમણે પોતાના મિત્ર અને ભાગીદાર નંદુપ્રસાદ ફોજદાર સોલંકી સાથે જમીન ખરીદવાનું વિચાર્યું હતું. આ માટે તેમણે ઓળખીતા સંજય દેસાઈનો સંપર્ક કર્યો હતો, જેમણે તેમની મુલાકાત પારડીના કલસર ગામના વિમલ પટેલ સાથે કરાવી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, વિમલભાઈએ પલસાણા ગામે હનુમાન મંદિર સામે આવેલી એક એકર જમીન વેચવાની વાત કરી હતી. આ જમીનનો સોદો 65.50 લાખ રૂપિયામાં નક્કી થયો હતો. જમીન માટે 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર કબજા વેચાણ કરાર કરવામાં આવ્યો હતો અને તેની નોટરી પણ કરાવી હતી. ત્યારબાદ જીતુપ્રસાદ અને તેમના ભાગીદારે અલગ-અલગ તારીખે ચેક, RTGS અને રોકડ દ્વારા વિમલભાઈને મોટી રકમ ચૂકવી હતી. ફરિયાદ મુજબ, પહેલા 31 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. પછી જમીનના દસ્તાવેજ અને અન્ય પ્રક્રિયા માટે વધુ પૈસાની માંગણી થતાં 22.50 લાખ રૂપિયા ચૂકવાયા હતા. આમ, જમીન ખરીદવા માટે કુલ 53.50 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. જોકે, વિમલભાઈએ એક મહિનામાં જમીનનો દસ્તાવેજ કરાવી આપવાની ખાતરી આપી હતી, પરંતુ સમયસર દસ્તાવેજ થયો નહીં. ત્યારબાદ સપ્ટેમ્બર 2025 સુધીમાં દસ્તાવેજ કરી આપવાની અથવા પૈસા પાછા આપવાની ખાતરી અપાઈ હતી. તેમ છતાં દસ્તાવેજ ન થતાં ફરિયાદીએ પોતાના ચૂકવેલા પૈસા પાછા માંગ્યા, ત્યારે મામલો વધુ ગંભીર બન્યો હોવાનો આક્ષેપ છે. ફરિયાદમાં જમીનના મૂળ માલિક સહિતના વ્યવહારની વિગતો પણ આપવામાં આવી છે. આ સમગ્ર મામલે પારડી પોલીસે ફરિયાદના આધારે વિમલ પટેલ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે જમીનના દસ્તાવેજો, કરાર, નોટરી અને નાણાકીય વ્યવહારોના પુરાવાના આધારે તપાસ આગળ વધારી છે.
Read full article on Divya Bhaskar