top
ગીર સોમનાથમાં RTOએ ત્રણ ઓવરલોડ વાહન પકડ્યા:ઓગસ્ટમાં 11 લાખથી વધુનો દંડ વસૂલ્યો, 288 ચલણ ઇશ્યૂ કરાયા
ગીર સોમનાથ જિલ્લામાં ટ્રાફિક નિયમોના પાલન અને રોડ સેફ્ટી માટે RTO વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી છે. વિભાગે ખનીજ ભરીને ઓવરલોડ દોડતા ત્રણ મોટા ડમ્પર પકડ્યા છે. આ ડમ્પરોમાં મોટા પથ્થરોનું ઓવરલોડિંગ અને ખનીજ ચોરીની શંકા હતી. આથી ખાણ-ખનીજ વિભાગને પણ આગળની કાર્યવાહી માટે જાણ કરાઈ છે. RTO વિભાગે ત્રણેય ડમ્પર સામે કડક પગલાં લીધા છે. ઓગસ્ટ મહિના દરમિયાન RTO ટીમે નિયમોના ભંગ બદલ કુલ 288 ઇ-ચલણ આપ્યા છે. આ કાર્યવાહીમાં કુલ 11,01,629 રૂપિયાનો દંડ વસૂલ કરાયો છે. આ મહિનામાં ઓવરલોડ વાહનોને 17 મેમો આપી 2,03,000 રૂપિયાનો દંડ કરાયો. ઓવર ડાયમેન્શન કાર્ગો (ODC)ના 5 મેમો આપી 34,000 રૂપિયાનો દંડ વસૂલ કરાયો. રોડ સેફ્ટીના નિયમોના ભંગ બદલ 252 મેમો આપી 8,06,950 રૂપિયાનો દંડ કરાયો છે. ગીર સોમનાથ RTO કચેરીના સહાયક મોટર વાહન નિરીક્ષક જે. એ. ટાંક દ્વારા આ માહિતી અપાઈ છે. તેમણે વાહન ચાલકોને ખાસ અપીલ કરી છે કે, વાહનના તમામ કાયદેસરના દસ્તાવેજો પૂરા અને અપડેટ રાખે. તેમણે વાહનોને મર્યાદામાં (અંડરલોડ) જ ચલાવવા પણ કહ્યું છે. નિયમોનું પાલન કરવાથી રોડ સેફ્ટી વધશે અને રસ્તા પર થતા અકસ્માતો તેમજ તેના કારણે થતા મૃત્યુનો ભય ઘટાડી શકાશે.
Read full article on Divya Bhaskar