top
'સાહેબ, ચા નથી પીધી' કહેતાં જ પહોંચી ગયા:ગાંધીનગરમાં હર્ષ સંઘવીનો અનોખો અંદાજ, પ્રોટોકોલ ભૂલી ચ-0 સર્કલની સામાન્ય કિટલી પર પ્લાસ્ટિકની ખુરશીમાં બેસી ચા પીધી
રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતાના સહજ, સરળ અને સાદગીપૂર્ણ અંદાજને કારણે હંમેશાં લોકપ્રિય રહ્યા છે. આવો જ એક રસપ્રદ અને પ્રેરણાદાયી કિસ્સો પાટનગર ગાંધીનગર ખાતે સામે આવ્યો છે, જ્યાં તેમણે કોઈપણ પૂર્વ આયોજન કે સરકારી પ્રોટોકોલના આડંબર વિના રસ્તા પર આવેલી એક સામાન્ય ચાની કિટલી પર બેસીને પક્ષના કાર્યકરો અને સ્થાનિક યુવાનો સાથે ચાની ચુસકી માણી હતી. નાયબ મુખ્યમંત્રીના આ ઓચિંતા આગમને ગાંધીનગર શહેર ભાજપના પદાધિકારીઓ સહિત સામાન્ય નાગરિકોમાં ભારે આશ્ચર્ય અને ખુશીનો માહોલ સર્જી દીધો હતો. અમદાવાદથી પરત ફરતી વખતે શહેર પ્રમુખને અચાનક ફોન જોડ્યો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદ ખાતેના પોતાના પૂર્વ નિર્ધારિત સરકારી કાર્યક્રમો પૂર્ણ કરીને મોડી સાંજે ગાંધીનગર પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે અચાનક ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ આશિષ દવેને ફોન કરીને ચા પીવા આવવાનું જણાવ્યું હતું. મંત્રી તરફથી મળેલા અણધાર્યા આમંત્રણને પગલે મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને સ્થાનિક કાર્યકરો તાબડતોબ શહેરના પ્રવેશદ્વાર સમાન ચ-0 સર્કલ નજીક ઇન્ફોસિટી પાસે આવેલી ચાની કિટલી પર પહોંચ્યા હતા. કોઈપણ પ્રોટોકોલ વિના પ્લાસ્ટિકની સાદી ખુરશી પર બેસી ચા માણી થોડી જ મિનિટોમાં નાયબ મુખ્યમંત્રી પોતાના કાફલા સાથે ચ-0 સર્કલ ખાતે પહોંચી ગયા હતા. કોઈપણ વિશેષ સુરક્ષા પ્રોટોકોલનો દેખાડો કર્યા વિના તેઓ અત્યંત હળવા મૂડમાં રસ્તાની બાજુમાં મૂકેલી સામાન્ય પ્લાસ્ટિકની ખુરશી પર બેસી ગયા હતા અને તમામ પદાધિકારીઓ તથા કાર્યકરો સાથે ગરમાગરમ ચાનો આનંદ માણ્યો હતો. શહેર ભાજપ પ્રમુખ આશિષ દવેએ જણાવ્યું હતું કે, તેમણે ભૂતકાળમાં સહજતાથી સંઘવીને કહ્યું હતું કે લાંબા સમયથી તેમની સાથે ચા પીવાનો પ્રસંગ બન્યો નથી. મંત્રીએ આ સામાન્ય વાતને યાદ રાખીને અચાનક જ જૂની જાણીતી કિટલી પર આવવાનું પસંદ કર્યું હતું. વિદ્યાર્થીઓ અને આઇટી પ્રોફેશનલ્સ સાથે 45 મિનિટ ગાળી આ વિસ્તાર આઈટી હબ અને જાણીતી શૈક્ષણિક સંસ્થાઓની નજીક હોવાથી ત્યાં મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ અને નોકરિયાત યુવાનો એકઠા થયા હતા. રાજ્યના ગૃહમંત્રીને સામાન્ય નાગરિકની જેમ કિટલી પર બેઠેલા જોઈને લોકોનું મોટું ટોળું એકત્ર થઈ ગયું હતું. મંત્રીએ પણ સૌને આવકારી ખૂબ જ પ્રેમાળ અંદાજમાં યુવાનો સાથે સેલ્ફી પડાવી સંવાદ સાધ્યો હતો. અંદાજે 45 મિનિટ સુધી કાર્યકરો અને સ્થાનિકો સાથે અનૌપચારિક ચર્ચા કર્યા બાદ તેઓ પોતાના નિવાસસ્થાન તરફ રવાના થયા હતા. હર્ષ સંઘવીના આ લોકાભિમુખ અને ડાઉન-ટુ-અર્થ વ્યવહારે સૌના દિલ જીતી લીધા હતા.
Read full article on Divya Bhaskar