top
સેન્ડવિચની દુકાનના ઓપનિંગમાં રોબોટે પૂજા કરી:બંદૂકઘારી બોડીગાર્ડ્સ સાથે શાહી એન્ટ્રી; ટિલક લગાવ્યું, ભગવા ખેસ પહેરીને ડાન્સ કર્યો; લોકોને 'આશીર્વાદ' પણ આપ્યા!
કોઈપણ નવી દુકાનનું ઓપનિંગ હોય એટલે સામાન્ય રીતે નેતા કે કોઈ જાણીતી હસ્તીને બોલાવવામાં આવે. પરંતુ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં એક સેન્ડવિચ શોપના ઉદ્ઘાટન પ્રસંગે જે બન્યું, તે જોઈને સૌ કોઈ દંગ રહી ગયા! અહીં ઓપનિંગ સેરેમનીમાં કોઈ માણસ નહીં, પણ એક હ્યુમનોઇડ રોબોટ ચીફ ગેસ્ટ બનીને પહોંચ્યો હતો. આ અનોખા અંદાજના ઉદ્ઘાટનનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. બોડીગાર્ડ્સ સાથે રોબોટની શાહી એન્ટ્રી ઇન્દોર સ્થિત કંપની 'વિદ્યુત ઇનોવેશન' દ્વારા તૈયાર કરાયેલો આ હ્યુમનોઇડ રોબોટ હથિયારધારી બોડીગાર્ડ્સના કાફલા સાથે વેન્યુ પર પહોંચ્યો હતો. રોબોટની એન્ટ્રી થતાં જ લોકો તેને જોવા માટે ઉમટી પડ્યા હતા. રોબોટે પણ પૂરા વટ સાથે એન્ટ્રન્સ પર આવેલા મહેમાનો સાથે હાથ મિલાવ્યા. આયોજકોએ ગળામાં ભગવો ખેસ પહેરાવીને તેનું પરંપરાગત સ્વાગત કર્યું હતું. તિલક થયું, સેન્ડવિચ ઓફર થઈ અને... ચરણસ્પર્શ પણ! ઉદ્ઘાટન દરમિયાન ભારતીય સંસ્કૃતિ મુજબ પૂજા-વિધિ કરવામાં આવી હતી. આ દરમિયાન રોબોટના કપાળ પર કુમકુમનું તિલક લગાવવામાં આવ્યું અને તેને ખાવા માટે સેન્ડવિચની પ્લેટ પણ ધરવામાં આવી હતી. આ દરમિયાન એક રમૂજી ઘટના પણ બની—જ્યારે રોબોટે ભીડ તરફ હાથ હલાવીને અભિવાદન કર્યું, ત્યારે સામે ઊભેલા એક વ્યક્તિને લાગ્યું કે રોબોટ 'આશીર્વાદ' આપી રહ્યો છે! તે વ્યક્તિ તુરંત જ રોબોટ સામે નમી ગયો, જેને જોઈને ત્યાં હાજર તમામ લોકો હસી પડ્યા હતા. દેશી ગીતો પર ઠુમકા અને સોશિયલ મીડિયા પર ચર્ચા કાર્યક્રમમાં સૌથી મોટું સરપ્રાઈઝ ત્યારે જોવા મળ્યું જ્યારે રોબોટે અચાનક ડાન્સ મૂવ્સ શરૂ કરી દીધા. એક સામાન્ય શોપ ઓપનિંગને રોબોટે તેના ડાન્સિંગ ટેલેન્ટથી મનોરંજક ઈવેન્ટ બનાવી દીધી. 'X' (ટ્વિટર) પર નિલય નામના યુઝર દ્વારા શેર કરાયેલા આ વીડિયો પર લોકો જાતજાતની કમેન્ટ્સ કરી રહ્યા છે: એક યુઝરે રમૂજમાં લખ્યું, "રોબોટ પણ બોડીગાર્ડ સાથે ફરે છે, હવે તો આ નવો સેલિબ્રિટી બની ગયો!" બીજા યુઝરે ચિંતા સાથે કહ્યું, "ટૂંક સમયમાં શેફ અને વેઇટરની જગ્યા પણ રોબોટ લઈ લેશે." અન્ય એક યુઝરે લખ્યું, "પરંપરા અને ટેક્નોલોજીનો આ અદ્ભુત અને રમૂજી સંગમ છે."
Read full article on Divya Bhaskar