politics
શ્રાવણના પ્રથમ સોમવારે પાટણના શિવમંદિરોમાં ભક્તો ઉમટ્યા:કોટેશ્વર મહાદેવમાં ભુતનાથની ભવ્ય આંગી, શિવાલયો હર હર ભોળાના નાદથી ગુંજ્યા
શ્રાવણ માસના પ્રથમ સોમવારે પાટણ શહેર અને જિલ્લાના શિવમંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. વહેલી સવારથી જ શિવભક્તોએ ભોળાનાથના દર્શન, જળાભિષેક અને પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. તમામ શિવાલયો 'હર હર ભોળાનાથ' અને 'ઓમ નમઃ શિવાય'ના નાદથી ગુંજી ઉઠ્યા હતા. શહેરના પ્રખ્યાત કોટેશ્વર મહાદેવ મંદિરમાં ભુતનાથ મહાદેવની ભવ્ય આંગી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ આ આંગીના દર્શનનો લાભ લીધો હતો. પૌરાણિક કથા અનુસાર, પ્રજાપતિ દક્ષના યજ્ઞમાં મહાદેવજીને આમંત્રણ ન મળતા માતા સતીએ યજ્ઞકુંડમાં દેહત્યાગ કર્યો હતો. આ ઘટનાથી ક્રોધિત મહાદેવજીએ પોતાની જટામાંથી ભુતનાથ મહાદેવને ઉત્પન્ન કરી દક્ષનો વિનાશ કર્યો હતો. આ પ્રસંગને અનુલક્ષીને કોટેશ્વર મહાદેવ ખાતે ભુતનાથ મહાદેવના સ્વરૂપની વિશેષ આંગી સજાવવામાં આવી હતી. શ્રાવણના પ્રથમ સોમવારના પાવન અવસરે કોટેશ્વર મહિલા ભજન મંડળ દ્વારા મહાદેવજીના 108 નામ સ્મરણની માળા અને ભજન-કીર્તનનું આયોજન કરાયું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ભાઈ-બહેનો જોડાઈ શિવભક્તિમાં લીન બન્યા હતા.
Read full article on Divya Bhaskar