politics
શ્રમ અદાલતમાં ફેમિલી કોર્ટ શરૂ કરવાનો વિરોધ:સુરતના વકીલો અચોક્કસ મુદતની હડતાળ પર, 17 ઓગસ્ટથી કામકાજ બંધ રાખવાનો નિર્ણય
સુરતમાં શ્રમ અને ઔદ્યોગિક અદાલતના બિલ્ડીંગમાં ફેમિલી કોર્ટ શરૂ કરવાના નિર્ણય સામે વકીલ આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 17મી ઓગસ્ટ 2026 થી લેબર કોર્ટની બિલ્ડીંગમાં ફેમિલી કોર્ટની બે નવી અદાલતો શરૂ કરવા માટેની પ્રક્રિયા પુરજોશમાં ચાલી રહી છે. જોકે, આ નિર્ણયનો 'લેબર લોઝ પ્રેક્ટિશનર્સ એસોસિએશન' દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો છે અને વકીલોએ અચોક્કસ મુદત માટે કામકાજથી અળગા રહેવાની જાહેરાત કરી દીધી છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનો હવાલો આપ્યો એસોસિએશનના જણાવ્યા અનુસાર, સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ ગાઈડલાઈન છે કે શ્રમ અદાલત (Labour Court) માટે એક અલગ અને અલાયદું બિલ્ડીંગ હોવું જોઈએ અને તેમાં અન્ય કોઈ અદાલતનો સમાવેશ કરી શકાય નહીં. આ બિલ્ડીંગ ખાસ કરીને શ્રમ અને ઔદ્યોગિક ક્ષેત્રના કેસો અને તેના માળખાને અનુલક્ષીને બનાવવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં અહીં ફેમિલી કોર્ટ શરૂ કરવાથી પક્ષકારો, વકીલો અને કોર્ટના દૈનિક સંચાલનમાં ભારે મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. પક્ષકારોની હાલાકી વધવાની શક્યતા 17 ઓગસ્ટથી વકીલો હડતાળ પર ઉતરવાના હોવાથી લેબર કોર્ટમાં ચાલતા સેંકડો કેસોની સુનાવણી અટકી જશે, જેના કારણે મજૂરો અને શ્રમિક પક્ષકારોને કોર્ટના ધક્કા ખાવાનો વારો આવી શકે છે. વકીલોની માંગ છે કે જ્યાં સુધી ફેમિલી કોર્ટ શિફ્ટ કરવાનો નિર્ણય પાછો ન ખેંચાય ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે.
Read full article on Divya Bhaskar