lifestyle
સોમનાથ મહાદેવને શ્રાવણ તેરસ પર મહારુદ્ર શૃંગાર કરાયો:શિવના પ્રચંડ અને સંહારક સ્વરૂપના દર્શન કરી ભક્તો ભાવવિભોર બન્યા
શ્રાવણ મહિનાના પવિત્ર દિવસોમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ધામમાં ભક્તિનો માહોલ છે. શ્રાવણ કૃષ્ણ તેરસના પવિત્ર દિવસે સોમનાથ મહાદેવને ભવ્ય 'મહારુદ્ર શૃંગાર' કરવામાં આવ્યો હતો. મહારુદ્ર સ્વરૂપમાં બિરાજમાન સોમનાથ મહાદેવના દિવ્ય દર્શન કરીને શિવભક્તો ભાવવિભોર બન્યા હતા. મહારુદ્રને ભગવાન શિવના અદભુત અને પ્રચંડ સ્વરૂપોમાંનું એક માનવામાં આવે છે. આ સ્વરૂપ શિવજીની પ્રચંડ શક્તિ, સંહાર શક્તિ અને સૃષ્ટિના ફરી સર્જનના રહસ્યને દર્શાવે છે. સૃષ્ટિના ચક્રમાં સંહાર પછી જ નવા સર્જનની શરૂઆત થાય છે. આ સમગ્ર બદલાતા વિશ્વમાં શિવને શાશ્વત અને અવિનાશી તત્વ તરીકે પૂજવામાં આવે છે. સોમનાથ મહાદેવને મહારુદ્ર સ્વરૂપમાં સજાવવામાં આવતા મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું. ભક્તોએ 'હર હર મહાદેવ' અને 'જય સોમનાથ'ના નાદ સાથે ભગવાન શિવના આ દિવ્ય સ્વરૂપના દર્શન કર્યા હતા. ધાર્મિક માન્યતા મુજબ, મહારુદ્ર સ્વરૂપની પૂજા ભક્તોમાં આધ્યાત્મિક શક્તિ અને ભક્તિભાવ જગાડે છે. ભગવાન શિવનું આ સ્વરૂપ અધર્મ અને ખરાબ શક્તિઓના નાશનું પ્રતીક પણ માનવામાં આવે છે. મહારુદ્રની આરાધના ભક્તને મોહ-માયા અને આસક્તિથી ઉપર ઉઠીને પરમ તત્વ તરફ આગળ વધવાની પ્રેરણા આપે છે. શ્રાવણના પવિત્ર પર્વમાં સોમનાથ મહાદેવના વિવિધ દિવ્ય શૃંગારના દર્શન ભક્તો માટે ખાસ આધ્યાત્મિક અનુભવ બની રહ્યા છે. મહારુદ્ર સ્વરૂપના દર્શન સાથે ભક્તોએ ભગવાન શિવના ચરણોમાં સુખ, શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રાર્થના કરી હતી.
Read full article on Divya Bhaskar