crime
સોમનાથમાં શ્રાવણના પ્રારંભે ફૂડ વિભાગની તપાસ:23 દુકાનોમાં તપાસ કરી 34 કિલો અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કરાયો
શ્રાવણ માસના પ્રારંભે સોમનાથના સ્વદેશી હાર્ટ બજારમાં ફૂડ વિભાગે સઘન તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન 8 દુકાનોમાંથી કુલ 34 કિલો વાસી અને અખાદ્ય ખાદ્યપદાર્થોનો જથ્થો મળી આવ્યો હતો, જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેકટર જે. એન. વાઘેલાની સૂચના હેઠળ ગીર સોમનાથ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ફૂડ વિભાગે આ કાર્યવાહી કરી હતી. ટીમે સ્વદેશી હાર્ટ બજારની કુલ 23 રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની દુકાનોમાં સ્વચ્છતા અને ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તાની ચકાસણી કરી હતી. જે દુકાનોમાંથી વાસી અને અખાદ્ય ખાદ્યસામગ્રી મળી આવી હતી તેમાં પાર્થ મલ્ટીક્યુઝન રેસ્ટોરન્ટ, પારસ રેસ્ટોરન્ટ, જય સોમનાથ રેસ્ટોરન્ટ, મારૂતિ રેસ્ટોરન્ટ, શિવ લહેરી રેસ્ટોરન્ટ, ન્યુ શક્તિ ફાસ્ટ ફુડ, શ્રીનાથજી રેસ્ટોરન્ટ અને સોમનાથ સાગર ફાસ્ટ ફુડનો સમાવેશ થાય છે. શ્રાવણ માસમાં સોમનાથમાં ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ખાણીપીણીની ગુણવત્તા સુનિશ્ચિત કરવા આ કાર્યવાહી કરાઈ હતી. યાત્રાળુઓને સ્વચ્છ, ગુણવત્તાયુક્ત અને સલામત ખાદ્યપદાર્થો મળી રહે તે મુખ્ય હેતુ હતો. તપાસ દરમિયાન, સંબંધિત દુકાનદારોને ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા જાળવવા અને સ્વચ્છતાના ધોરણોનું પાલન કરવા કડક સૂચના અપાઈ હતી. ફૂડ વિભાગે ચેતવણી આપી છે કે ભવિષ્યમાં નિયમોનું ઉલ્લંઘન જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે. શ્રાવણ માસ દરમિયાન આ તપાસ ચાલુ રહેશે.
Read full article on Divya Bhaskar