politics
મંત્રી કમલેશ પટેલે જામનગરમાં પોલીસ ભવનનું નિરીક્ષણ કર્યું:SP કચેરી અને મહિલા પોલીસ સ્ટેશનના બાંધકામની ગુણવત્તા ચકાસી
રાજ્ય કક્ષાના મંત્રી કમલેશ પટેલે જામનગર જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે નિર્માણાધીન નવીન પોલીસ અધિક્ષકની કચેરી અને મહિલા પોલીસ સ્ટેશનના બાંધકામની સ્થળ મુલાકાત લીધી હતી. તેમણે નિર્માણ કાર્યનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી અરજદારોની સવલતોમાં વધારો થાય અને ભવનની ગુણવત્તા જળવાય તે અંગે જરૂરી સૂચનો કર્યા હતા. આ મુલાકાત દરમિયાન મંત્રીએ ભવનના બાંધકામમાં ગુણવત્તાના ઉચ્ચ ધોરણો સચવાય અને વર્ષો સુધી ટકાઉ તેમજ સુંદર ઇમારત બની રહે તે માટે ઇજારદાર સહિત સંલગ્ન અધિકારીઓને સ્થળ પર જ માર્ગદર્શક સૂચનાઓ આપી હતી. કુલ રૂ. 2036.47 લાખના ખર્ચે આકાર પામી રહેલું આ અદ્યતન ભવન બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને ચાર માળનું પરિસર ધરાવે છે. તેનો કુલ બિલ્ટ-અપ એરિયા 8183.44 ચોરસ મીટર અને કાર્પેટ એરિયા 7348.36 ચોરસ મીટર છે. આ ભવનનું નિર્માણ આગામી જૂન માસ સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. આ સુસજ્જ ભવનમાં બેઝમેન્ટમાં વિશાળ પાર્કિંગ એરિયા, ગ્રાઉન્ડ ફ્લોર પર રિસેપ્શન, નાગરિક સુવિધા કેન્દ્ર, ટ્રાફિક શાખા, L.I.B. અને રજિસ્ટ્રી શાખાનો સમાવેશ થાય છે. પ્રથમ માળ પર પોલીસ અધિક્ષક, નાયબ પોલીસ અધિક્ષક કચેરી, કોન્ફરન્સ રૂમ અને રેકોર્ડ રૂમ હશે. બીજા માળ પર S.O.G., L.C.B., F.S.L. અને પાસપોર્ટ શાખા જ્યારે ત્રીજા માળ પર મહિલા પોલીસ સ્ટેશન કાર્યરત થશે. ચોથા માળ પર જિમ, કેન્ટીન અને રેસ્ટ રૂમ સહિતની આધુનિક સવલતો ઉપલબ્ધ કરાવવામાં આવશે. ભવનના નિરીક્ષણ સમયે મંત્રી કમલેશ પટેલ સાથે ધારાસભ્ય દિવ્યેશ અકબરી, જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની, નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ ઝાલા અને પોલીસ હાઉસિંગ બોર્ડના કાર્યપાલક ઈજનેર સંજય પટેલ સહિત સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read full article on Divya Bhaskar