top
સરકારી જમીન પર દુકાન બનાવી અંગત વેપાર કરવો પડ્યો ભારે:નંદાવલાના સરપંચને હોદ્દા પરથી દૂર કરાયા; TDOની તપાસમાં દબાણ સાબિત થતાં DDOએ કાર્યવાહી કરી
વલસાડ તાલુકાના નંદાવલા ગ્રામ પંચાયતના સરપંચને સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી ફેબ્રિકેશનની દુકાન ચલાવવી મોંઘી પડી છે. સરકારી પડતર જમીન પર દબાણ કરીને અંગત આર્થિક લાભ મેળવવાના મામલે જિલ્લા વિકાસ અધિકારી (DDO) અતિરાગ ચપલોતે નંદાવલા ગ્રામ પંચાયતના સરપંચ અજય પટેલને તેમના પદ પરથી દૂર કરવાનો આદેશ આપ્યો છે. ગુજરાત પંચાયત અધિનિયમ-1993ની કલમ 57(1) હેઠળ આ કાર્યવાહી કરાઈ છે. નંદાવલા ગામના નિશાળ ફળિયામાં રહેતા મેહુલ પટેલે DDO કચેરીમાં લેખિત અરજી કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે સરપંચ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી સરકારી જમીન પર દબાણ કરીને ફેબ્રિકેશનનો વ્યવસાય કરી રહ્યા છે. તેમાંથી તેઓ અંગત આર્થિક લાભ પણ મેળવી રહ્યા છે. આ ફરિયાદને ગંભીરતાથી લઈ DDO કચેરીએ વલસાડ તાલુકા વિકાસ અધિકારી (TDO)ને સ્થળ તપાસ કરી વિગતવાર અહેવાલ રજૂ કરવા સૂચના આપી હતી. TDO દ્વારા કરાયેલી સ્થળ તપાસ અને તલાટી-કમ-મંત્રીના જવાબના આધારે એક અહેવાલ તૈયાર કરાયો. તેમાં નંદાવલા ગામની સર્વે નંબર 302ની સરકારી પડતર જમીન પર દબાણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું. તપાસમાં કોઈ સત્તાવાર મંજૂરી વિના ફેબ્રિકેશનનું કામકાજ કરવા માટે કામચલાઉ દુકાન ઉભી કરાઈ હોવાનું નોંધાયું હતું. આ અહેવાલના આધારે DDO કચેરીએ સરપંચને ગુજરાત પંચાયત અધિનિયમની કલમ 57(1) હેઠળ કારણદર્શક નોટિસ પાઠવી. રૂબરૂ સુનાવણી દરમિયાન સરપંચ અજય પટેલે પોતાનો બચાવ રજૂ કર્યો. તેમણે જણાવ્યું કે તેઓ ગ્રામ પંચાયતના હિતમાં કામગીરી કરી રહ્યા હતા. નોટિસ મળ્યા બાદ સર્વે નં. 302 પરથી ફેબ્રિકેશનની દુકાન સ્વેચ્છાએ દૂર કરી દીધી હતી. જોકે DDOએ આ દલીલ સ્વીકારી નહીં. અધિકારીએ નોંધ્યું કે સરકારી જમીન પર સરપંચ તરીકેના હોદ્દાનો લાભ લઈ દબાણ કરી અંગત આર્થિક લાભ મેળવવાનો પ્રયાસ કરવો ગંભીર બાબત છે. દબાણ બાદમાં દૂર કરી દેવાયું હોવા છતાં અગાઉ થયેલા સત્તાના દુરુપયોગની ગંભીરતા ઓછી થતી નથી તેવું અવલોકન કરાયું. પંચાયતના જાહેર હિત અને સરકારી જમીનના રક્ષણને ધ્યાનમાં રાખીને DDO અતિરાગ ચપલોતે અજય પટેલને નંદાવલા ગ્રામ પંચાયતના સરપંચ પદેથી દૂર કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ સામે સરપંચને 30 દિવસની અંદર ગાંધીનગર ખાતે વિકાસ કમિશનર સમક્ષ અપીલ કરવાનો અધિકાર છે.
Read full article on Divya Bhaskar