politics
સુરેન્દ્રનગરમાં નિવૃત રેલ કર્મચારી મંડળની ભવ્ય ત્રિરંગા યાત્રા:દેશભક્તિના નારા સાથે પેન્શનરો, રેલવે કર્મચારીઓ અને RPF-GRPના જવાનો જોડાયા
દેશના 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે નિવૃત રેલ કર્મચારી મંડળ, સુરેન્દ્રનગર દ્વારા દેશભક્તિના ઉમંગ અને રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે ભવ્ય **“ત્રિરંગા યાત્રા”**નું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રધ્વજ સાથે યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં પેન્શનરો અને રેલવે કર્મચારીઓ જોડાયા હતા. રેલવે કોલોનીથી જંકશન સુધી યાત્રા ત્રિરંગા યાત્રાનો પ્રારંભ સંસ્થાના કાર્યાલયથી કરવામાં આવ્યો હતો. દેશભક્તિના ગગનભેદી નારા સાથે શરૂ થયેલી યાત્રા ધ્રાંગધ્રા રેલવે કોલોની અને અલકા ચોક થઈને સુરેન્દ્રનગર રેલવે જંકશન ખાતે પહોંચી હતી. RPF અને GRPના જવાનો પણ જોડાયા સુરેન્દ્રનગર રેલવે જંકશન ખાતે રેલવે RPF અને GRPના જવાનો પણ ઉત્સાહપૂર્વક ત્રિરંગા યાત્રામાં જોડાયા હતા. રેલવે કર્મચારીઓ, પેન્શનરો અને સુરક્ષા જવાનોની એકસાથે ઉપસ્થિતિથી સમગ્ર રેલવે પરિસરમાં દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનું ભાવસભર વાતાવરણ સર્જાયું હતું. કંકુનાથ દેરાસર યાત્રા પૂર્ણ થઈ જંકશનથી ત્રિરંગા યાત્રા પરત ફરી કંકુનાથ દેરાસર થઈને સંસ્થાના કાર્યાલય ખાતે પૂર્ણ થઈ હતી. યાત્રા દરમિયાન ઉપસ્થિત સૌમાં રાષ્ટ્રપ્રેમ અને એકતાનો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ ભવ્ય કાર્યક્રમમાં સંસ્થાના બહોળી સંખ્યામાં પેન્શનરો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. પેન્શનરોની દેશપ્રેમભરી હાજરી તેમજ સંસ્થાના તમામ કારોબારી સભ્યોના સક્રિય સહયોગથી ત્રિરંગા યાત્રા સફળ અને યાદગાર બની હતી. પ્રમુખ યોગેશભાઈ રાવલે વ્યક્ત કર્યો આભાર કાર્યક્રમના અંતે સંસ્થાના પ્રમુખ યોગેશભાઈ રાવલે ઉપસ્થિત તમામ પેન્શનરો, RPF અને GRPના જવાનો તથા સંસ્થાના કારોબારી સભ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આવા રાષ્ટ્રપ્રેમ અને એકતાના કાર્યક્રમો નવી પેઢીમાં પણ દેશભક્તિની ભાવનાને વધુ મજબૂત બનાવે છે. તિરંગો આપણી શાન છે, ભારત દેશ આપણી આન છે.
Read full article on Divya Bhaskar