business
સુરત એરપોર્ટ પર ટૂંક સમયમાં કાર્ગો સર્વિસ શરૂ થશે:ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆત ફળી, દક્ષિણ ગુજરાતના ગ્લોબલ ટ્રેડિંગને મોટો બૂસ્ટ મળશે
દક્ષિણ ગુજરાતના વેપારીઓ અને ઉદ્યોગપતિઓની વર્ષો જૂની માગણી હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સુરત એરપોર્ટ પરથી ફુલ-ફ્લેજ્ડ કાર્ગો સર્વિસ શરૂ કરવા માટે ઉચ્ચ સ્તરે સતત સઘન રજૂઆતો કરવામાં આવી હતી. આ રજૂઆતોના પરિણામે હવે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ટૂંક સમયમાં કાર્ગો સેવા કાર્યરત થવા જઈ રહી છે. તાજેતરમાં એરપોર્ટ અને એવિએશન ક્ષેત્રના ઉચ્ચ અધિકારીઓએ સુરતની મુલાકાત લઈ કાર્ગો શરૂ કરવાની શક્યતાઓ અને વ્યવસ્થાઓની સમીક્ષા કરી લીધી છે, જેથી દક્ષિણ ગુજરાતના ગ્લોબલ ટ્રેડિંગને મોટો બૂસ્ટ મળશે. 'ખેડૂતો અને ઉદ્યોગો બંનેને બમ્પર લાભ થશે' ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, સુરત માટે કાર્ગો સેવાની માગણી અમે ચેમ્બર દ્વારા ઘણા સમય પહેલાં કરી હતી. હાલ ટેક્સટાઇલના મિની પાર્સલો તેમજ મોટો માલ દરિયાઇ કે અન્ય માર્ગે મોકલવામાં આવે છે. પરંતુ એર કાર્ગો શરૂ થવાથી ટેક્સટાઇલ સાથે સાથે ફૂડ અને એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સને સૌથી મોટો ફાયદો થશે. અધિકારીઓ મુલાકાત લઈ ચૂક્યા છે અને ટૂંક સમયમાં કાર્ગો શરૂ થવા જઈ રહ્યો છે. હવે ખેડૂતો અને એક્સપોર્ટર્સના ઉત્પાદનો સીધા સુરતથી જ ગ્લોબલ માર્કેટમાં પહોંચશે. વલસાડી હાફૂસ-કેસર અને બીલીમોરાના ચીકુની સીધી નિકાસ થશે દક્ષિણ ગુજરાત હંમેશાં પોતાની પ્રીમિયમ ક્વોલિટીની એગ્રી પ્રોડક્ટ્સ માટે જાણીતું છે. અત્યાર સુધી વર્લ્ડ ફેમસ વલસાડી કેસર કેરી કે બીલીમોરાના પ્રખ્યાત ચીકુ જેવી નાશવંત ચીજો વિદેશ મોકલવા માટે ખેડૂતોએ અમદાવાદ કે મુંબઈ એરપોર્ટ સુધી માર્ગ પરિવહન કરવું પડતું હતું, જેમાં સમય અને ક્વોલિટી બંને બગડવાનું જોખમ રહેતું હતું. સુરતમાં કાર્ગોની ઉપલબ્ધતા થતાં જ સ્થાનિક ખેડૂતો પોતાની તાજી પ્રોડક્ટ્સ માત્ર થોડા કલાકોમાં આંતરરાષ્ટ્રીય બજારોમાં પહોંચાડી શકશે, જેનાથી તેમને પોતાના માલના વધુ સારા વૈશ્વિક ભાવ મળશે. ટેક્સટાઇલ સેક્ટરને રાહત, નાના-મોટા પાર્સલ ત્વરિત વિદેશ પહોંચશે કાર્ગો સર્વિસ શરૂ થવાનો સીધો ફાયદો સુરતની જીવાદોરી સમાન ટેક્સટાઇલ ઉદ્યોગને થશે. ટેક્સટાઇલના વેપારીઓ માટે મિની પાર્સલ, સેમ્પલિંગ અને અર્જન્ટ ઓર્ડર સમયસર ડિલિવર કરવા ખૂબ જ પડકારજનક હતા. દરિયાઈ શિપમેન્ટમાં ઘણો સમય લાગી જતો હોય છે, જ્યારે આ કાર્ગો સુવિધા ઉપલબ્ધ થવાથી ટેક્સટાઇલ, ગારમેન્ટ્સ અને એમ્બ્રોઇડરીના સ્પેશિયલ કન્સાઇનમેન્ટ્સ વિમાન મારફતે સીધા વૈશ્વિક ખરીદદારો સુધી ઝડપથી પહોંચાડી શકાશે. દક્ષિણ ગુજરાતના અર્થતંત્રને નવો વેગ મળશે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી એર કાર્ગો શરૂ થતાં જ દક્ષિણ ગુજરાત સમગ્ર પશ્ચિમ ભારતમાં એક મહત્વપૂર્ણ એક્સપોર્ટ હબ તરીકે ઉભરી આવશે. લોજિસ્ટિક્સ ખર્ચમાં મોટો ઘટાડો થશે અને ડિલિવરીનો સમય બચશે. ઉદ્યોગ જગત, ખેડૂતો અને નિકાસકારો તમામ માટે આ એક ગેમ-ચેન્જર સાબિત થશે, જેના કારણે આવનારા દિવસોમાં સુરતના બિઝનેસ ગ્રોથમાં ઐતિહાસિક ઉછાળો જોવા મળશે.
Read full article on Divya Bhaskar