top
સુરત મહાનગરપાલિકાનો મોટો નિર્ણય:પર્યુષણ-ગણેશોત્સવમાં કતલખાના અને માંસ-મચ્છીની દુકાનો સાથે જીવતા પશુ-પક્ષીઓના વેચાણ પર પણ પ્રતિબંધ
સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના ઠરાવ ક્રમાંક 1351/2026 અને તા. 24 જુલાઈ, 2026 ને ધ્યાનમાં રાખીને સુરત શહેરમાં આગામી ધાર્મિક તહેવારોને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં શ્વેતાંબર જૈન પર્યુષણ પર્વ, ગણેશ ચતુર્થી, સંવત્સરી અને અનંત ચૌદશ જેવા પવિત્ર તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા તેમજ ધાર્મિક ભાવનાઓને જાળવી રાખવા માટે મનપા દ્વારા વિશેષ આદેશ જારી કરવામાં આવ્યા છે. આ દિવસો દરમિયાન સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત તમામ કતલખાનાઓ સદંતર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. કયા દિવસો દરમિયાન રહેશે પ્રતિબંધ? મનપાના આદેશ અનુસાર, શ્વેતાંબર જૈન પર્યુષણ પર્વ તા. 8 સપ્ટેમ્બર, 2026 થી તારીખ 13 સપ્ટેમ્બર, 2026 સુધી, ગણેશ ચતુર્થી તારીખ 14 સપ્ટેમ્બર, 2026 ના રોજ, તેમજ શ્વેતાંબર જૈન સંવત્સરી તારીખ 15 સપ્ટેમ્બર, 2026 ના રોજ બંધ રહેશે. આ ઉપરાંત દિગંબર જૈન પર્યુષણ પર્વનો પ્રથમ દિવસ તારીખ 16 સપ્ટેમ્બર, 2026, અનંત ચૌદશ અને દિગંબર જૈન સંવત્સરી તારીખ 25 સપ્ટેમ્બર, 2026 ના દિવસોનો પણ આમાં સમાવેશ થાય છે. આ નિર્ધારિત તારીખો દરમિયાન સુરત મહાનગરપાલિકા હદ વિસ્તારમાં માંસ, મચ્છી અને મટનની દુકાનો સંપૂર્ણપણે બંધ રાખવાની રહેશે તેમજ જીવતા પશુ-પક્ષીઓની કતલ અને વેચાણ પર પણ કડક પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ વ્યવસાય સાથે સંકળાયેલા તમામ ઇસમો અને સંસ્થાઓએ આ સૂચનાની ગંભીરતાથી નોંધ લેવા માટે જણાવવામાં આવ્યું છે. નિયમ ભંગ કરનાર સામે કડક કાર્યવાહી સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલા આ આદેશનું ચુસ્તપણે પાલન કરવું તમામ સંબંધિતો માટે અનિવાર્ય છે. જો કોઈ પણ ઇસમ કે સંસ્થા દ્વારા આ સૂચનાનો ભંગ કરવામાં આવશે કે પ્રતિબંધિત દિવસોમાં વેચાણ ચાલુ રાખવામાં આવશે, તો તેવા લોકો સામે કાયદેસરની લાલ આંખ કરવામાં આવશે. પાલિકા પ્રશાસન દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે નિયમ તોડનાર ઇસમો અથવા સંસ્થાઓ સામે જી.બી.પી.એમ.સી. અને બોમ્બે પોલીસ એક્ટની વિવિધ જોગવાઈઓ હેઠળ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
Read full article on Divya Bhaskar