top
સુરત મનપાના નામે બોગસ જોબ લેટર કૌભાંડનો પર્દાફાશ:કલેક્ટર અને SMCના નકલી સિક્કા બનાવી ઉમેદવારો સાથે છેતરપિંડી
સુરત મહાનગરપાલિકા (SMC)માં સરકારી નોકરી મેળવવાની ઘેલછા ધરાવતા યુવાનો સાથે આર્થિક છેતરપિંડીના કાવતરાનો પર્દાફાશ થયો છે. પાલિકાના રિક્રુટમેન્ટ વિભાગના ધ્યાને આવ્યું છે કે, એક શાતિર ટોળકી દ્વારા સુરત મનપાનો સત્તાવાર લોગો, સુરત કલેક્ટર કચેરીના સ્ટેમ્પ તેમજ પાલિકાના ભરતી વિભાગના બોગસ સિક્કાઓનો દુરુપયોગ કરીને બનાવટી નિમણૂક પત્રો તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ પ્રકારના નકલી જોબ લેટર્સ સોશિયલ મીડિયાના માધ્યમથી ઉમેદવારોને પધરાવી તેમની પાસેથી લાખો રૂપિયા પડાવવાનો પ્રયાસ થતાં પાલિકા તંત્રએ તાત્કાલિક લાલબત્તી ધરીને ઉમેદવારોને સતર્ક રહેવા કડક અપીલ કરી છે. કલેક્ટર અને મનપાના સત્તાવાર સિક્કા-સહીઓનો ગેરકાયદે દુરુપયોગ સમગ્ર કૌભાંડ અંગે સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે સોશિયલ મીડિયા, વોટ્સએપ ગ્રૂપ્સ, ઈ-મેઈલ કે અન્ય કોઈપણ માધ્યમથી ફરતા થયેલા ભરતી પત્રોની સંપૂર્ણ સત્યતા ચકાસ્યા વગર કોઈએ તેના પર ભરોસો કરવો નહીં. તાજેતરમાં સામે આવેલા બોગસ નિમણૂક પત્રોમાં મનપાના પ્રતીક ચિહ્નો ઉપરાંત જિલ્લા કલેક્ટર કચેરીના સિક્કા અને બનાવટી સહીઓનો ઉપયોગ કરાયો હોવાનું બહાર આવ્યું છે. પાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે, આ નકલી પત્રો સાથે સુરત મહાનગરપાલિકાની વાસ્તવિક ભરતી પ્રક્રિયાને કોઈ લેવાદેવા નથી અને આ તમામ દસ્તાવેજો તદ્દન ગેરકાયદેસર અને છેતરપિંડીયુક્ત છે. સત્તાવાર પોર્ટલ પરથી જ ભરતીની વિગતો ચકાસવા તંત્રની તાકીદ પાલિકા તંત્ર દ્વારા તમામ નોકરી વાંચ્છુક ઉમેદવારોને ખાસ સૂચના આપવામાં આવી છે કે તેઓ માત્ર સુરત મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઇટ અને અધિકૃત માધ્યમો દ્વારા પ્રસિદ્ધ થતી જાહેરાતો પર જ નિર્ભર રહે. કોઈપણ નિમણૂક પત્ર કે કોલ લેટર મળે ત્યારે તેમાં દર્શાવેલી કચેરીનો આઉટવર્ડ નંબર, તારીખ, હોદ્દો અને મૂળ સરકારી જાહેરાતની વિગતો યોગ્ય રીતે સરખાવી લેવી અત્યંત આવશ્યક છે. કોઈપણ અનધિકૃત વ્યક્તિની વાતોમાં આવીને ગેરમાર્ગે દોરાવું નહીં. નોકરીના નામે નાણાં કે અંગત દસ્તાવેજો માંગનારાથી સાવચેત રહેવા ચેતવણી પાલિકામાં નોકરી અપાવવાના બહાને કોઈ વ્યક્તિ રોકડ રકમ કે ઓનલાઇન નાણાંની માંગણી કરે અથવા સંવેદનશીલ અંગત દસ્તાવેજો માંગે તો તાત્કાલિક સાવધાન થઈ જવું. કોઈપણ પ્રકારના શંકાસ્પદ પત્રવ્યવહાર કે કોલના કિસ્સામાં ખોટી લાલચમાં આવ્યા વિના સીધો સુરત મહાનગરપાલિકાના રિક્રુટમેન્ટ વિભાગનો રૂબરૂ સંપર્ક કરી ખાતરી કરી લેવા માટે જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.
Read full article on Divya Bhaskar