top
સુરતમાં સૌથી મોટી મહિલા કાવડયાત્રા, DRONE વીડિયો:કેસરી સાડીમાં સજ્જ 7 હજાર બહેનોએ તાપી જળ ભરી 5 હજાર પાર્થિવ શિવલિંગની પૂજા કરી
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સુરત શહેરમાં ભક્તિમય માહોલ વચ્ચે સૌથી મોટી મહિલા કાવડયાત્રા યોજાઈ હતી. મધર મહિલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ ભવ્ય કાવડયાત્રામાં સુરતના વિવિધ વિસ્તારોમાંથી અંદાજે 7,000 જેટલી મહિલાઓ શિવભક્તિના રંગે રંગાઈને જોડાઈ હતી. તમામ બહેનો એક જ સરખી કેસરી સાડીમાં કાવડ ખભે મૂકીને નીકળતાં માર્ગો કેસરિયા રંગથી ઝળહળી ઊઠ્યા હતા. કાપોદ્રાથી અશ્વિનીકુમાર સુધીનો રૂટ શિવમય બન્યો બપોરે 2:00 વાગ્યે કાપોદ્રા સિદ્ધપુર આશ્રમ ખાતેથી કાવડયાત્રાનો પ્રારંભ થયો હતો. મહિલાઓએ તાપી માતાનું પવિત્ર જળ કાવડમાં ભરીને પદયાત્રા શરૂ કરી હતી. ‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ના નારા સાથે આ યાત્રા અશ્વિનીકુમાર સ્થિત જળ ક્રાંતિ મેદાન ખાતે પહોંચી હતી. મેદાન ખાતે માટીમાંથી વિશેષ રૂપે તૈયાર કરાયેલા 5,000 પાર્થિવ શિવલિંગની વિધિવત મહાપૂજા અને જળાભિષેક કરવામાં આવ્યો હતો. ગુરુ ઓમઋષિની પ્રેરણાથી 14 વર્ષથી અવિરત આયોજન મધર મહિલા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને મુખ્ય આયોજક કોમલ પટેલે જણાવ્યું હતું કે, ગુરુ ઓમઋષિની પ્રેરણાથી છેલ્લાં 14 વર્ષથી શ્રાવણ માસમાં માત્ર મહિલાઓ માટે આ કાવડયાત્રાનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે શ્રાવણ મહિનાનો કોઈપણ એક સોમવાર નક્કી કરાય છે, જેમાં આ વખતે ત્રીજા સોમવારે યાત્રા યોજાઈ હતી. શરૂઆતના વર્ષો કરતાં હવે દર વર્ષે શિવભક્ત બહેનોની સંખ્યામાં સતત ઉત્સાહજનક વધારો થઈ રહ્યો છે. 53થી વધુ મહિલા મંડળો જોડાયાં આ ભવ્ય યાત્રામાં પુણા, સરથાણા, સીમાડા અને વરાછા સહિતના વિસ્તારોના 53થી વધુ મહિલા મંડળોની બહેનો સહભાગી થઈ હતી. આયોજકો દ્વારા તમામ 7,000 બહેનો માટે ખાસ કેસરી રંગની સાડી પ્રિન્ટ કરાવીને ડ્રેસકોડ નક્કી કરાયો હતો. 1000 સ્વયંસેવકો અને મહાનુભાવોની ઉપસ્થિતિ યાત્રાના સુચારુ સંચાલન અને સુરક્ષા વ્યવસ્થા માટે 1,000 જેટલા સ્વયંસેવકો ખડેપગે તહેનાત રહ્યા હતા. આ ઉપરાંત, શિવભક્ત મહિલાઓના ઉત્સાહને વધારવા માટે શહેરના 200થી વધુ પ્રતિષ્ઠિત નાગરિકો, સામાજિક અને રાજકીય અગ્રણીઓએ ખાસ ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો.
Read full article on Divya Bhaskar