top
સુરતના સરથાણામાં ગેરકાયદે બાંધકામો પર પાલિકાનો સપાટો:રહીશોની રામધૂન અને ઉગ્ર વિરોધ, 2 સ્કૂલ સહિત 20 કોમર્શિયલ એકમો સીલ
સુરત મહાનગરપાલિકાના સરથાણા ઝોન વિસ્તારમાં રહેણાંક મિલકતોમાં ગેરકાયદેસર હેતુફેર કરી શરૂ કરાયેલી કોમર્શિયલ પ્રવૃત્તિઓ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સરથાણા-વાલક ટીપી સ્કીમ નંબર 22 (એફ.પી. 49) સ્થિત સંતદેવીદાસ સોસાયટીમાં રહેણાંક મકાનોમાં ચાલી રહેલી વાણિજ્યિક પ્રવૃત્તિઓ અને બિનઅધિકૃત બાંધકામો સામે સ્થાનિક રહીશોમાં છેલ્લા ઘણા સમયથી ભારે રોષ જોવા મળી રહ્યો હતો. લોકોની વારંવારની રજૂઆતો છતાં કોઈ નક્કર પરિણામ ન મળતા સોસાયટીના રહીશોએ આક્રમક વલણ અપનાવ્યું હતું. રહીશોએ સરથાણા ઝોન કચેરી ખાતે મોરચો માંડ્યો બે દિવસ અગાઉ સ્થાનિક રહીશોએ સરથાણા ઝોન કચેરી ખાતે આવેદનપત્ર આપી મોરચો માંડ્યો હતો. રહીશોએ ઝોન કચેરીનો ઘેરાવ કરી ઉચ્ચ અધિકારીઓની ઓફિસ બહાર જ બેસીને રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. લોકોના ભારે આક્રોશ અને સતત દબાણના પગલે આખરે મનપા તંત્ર હરકતમાં આવ્યું હતું. ઝોનના વડા મે. ડેપ્યુટી કમિશ્નર નિધિ સિવાચ (IAS) ના માર્ગદર્શન હેઠળ તેમજ કાર્યપાલક ઇજનેર ઉમંગ કે. નાયકના નેતૃત્વમાં ઝોનની શહેર વિકાસ શાખા અને સિક્યોરિટી સ્ટાફે ચુસ્ત બંદોબસ્ત સાથે ડિમોલિશન અને સીલિંગની મેગા ડ્રાઇવ હાથ ધરી હતી. પાલિકાએ 20 મિલકતોને સીલ મારી દીધા પાલિકાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ઘટનાસ્થળે પહોંચતા જ કેટલાક મિલકતદારો અને સ્થાનિકો વચ્ચે અધિકારીઓ સાથે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા. જોકે, તંત્રે મક્કમતા દાખવી એકસાથે આશરે 20 જેટલી મિલકતોને સીલ મારી દીધા હતા. આ કામગીરી દરમિયાન રહેણાંક વિસ્તારમાં અનધિકૃત રીતે ધમધમતી સંધ્યા નર્સરી સ્કૂલ અને ઉડાન નર્સરી સ્કૂલ જેવા એકમો પણ સીલ કરી દેવામાં આવ્યા છે. અગાઉ પાલિકા દ્વારા આ મિલકતદારોને કારણદર્શક તથા સીલિંગની નોટિસો ફટકારવામાં આવી હોવા છતાં પ્રવૃત્તિ ચાલુ રાખવામાં આવી હતી. પાલિકાની આ આકરી તવાઈથી સરથાણા વિસ્તારમાં ગેરકાયદે કોમર્શિયલ બાંધકામ અને દબાણો કરનારાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
Read full article on Divya Bhaskar