top
સુરતના વરાછામાં ટ્રાફિક નિયમોના સરેઆમ ધજાગરા:BRTS ટ્રેકમાં રોંગ સાઈડ ઘૂસેલા બેફામ રિક્ષાચાલકો સામે બસ આવી જતાં ફજેતી, રિક્ષાઓ રિવર્સ લેવી પડી
સુરત શહેરના વરાછા વિસ્તારમાં ટ્રાફિક નિયમોના ખુલ્લેઆમ ધજાગરા ઉડાવતી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વરાછા વેરહાઉસ નજીક નિર્ધારિત બીઆરટીએસ કોરિડોરમાં કેટલાક રિક્ષાચાલકો બિન્દાસપણે રોંગ સાઈડમાં વાહન હંકારી રહ્યા હતા. આ દરમિયાન સામેથી આવી રહેલી બીઆરટીએસ બસ જોઈને રિક્ષાચાલકોએ લાંબા અંતર સુધી રિક્ષાઓ રિવર્સ લેવાની ફરજ પડી હતી. BRTS ટ્રેકમાં વાહન ચલાવવા પર પ્રતિબંધ સ્થાનિક રાહદારીઓ અને વાહનચાલકો દ્વારા આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. અવારનવાર સુરત મહાનગરપાલિકા અને ટ્રાફિક પોલીસ દ્વારા બીઆરટીએસ ટ્રેકમાં પ્રતિબંધિત વાહનોના પ્રવેશ પર રોક લગાવવા કડક કાર્યવાહીના દાવા કરવામાં આવે છે, તેમ છતાં વરાછા જેવા વ્યસ્ત વિસ્તારમાં નિયમોનું પાલન થતું નથી. રિક્ષાચાલકોની આવી ગંભીર બેદરકારીના કારણે કોઈપણ મોટી જાનહાનિ થઈ શકી હોત. શહેરમાં બેફામ દોડતા અને કાયદાની સહેજ પણ બીક ન રાખતા આવા રિક્ષાચાલકો સામે ટ્રાફિક પોલીસ કડક અંકુશ લગાવે તે અત્યંત જરૂરી બન્યું છે. માત્ર દંડ ફટકારવા પૂરતી કામગીરી સીમિત ન રાખતાં, બીઆરટીએસ કોરિડોરમાં ગેરકાયદેસર રીતે ઘૂસતા વાહનો સામે લાયસન્સ રદ્દ કરવા સહિતના કડક પગલાં લેવામાં આવે તેવી સ્થાનિક નાગરિકોમાં ઉગ્ર માંગ ઊઠી છે.
Read full article on Divya Bhaskar